જોડિયા ગામમાં રહેતાં યુવાન ઉપર રેતી અને બાયોડીઝલના વ્યવસાય મામલે એક શખ્સે ખાર રાખીને છરી વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હુમલાની વિગત મુજબ, જોડિયા ગામમાં સરદાર સોસાયટીમાં રહેતાં યોગેશ વલ્લભભાઈ ગોઠી (ઉ.વ.37) નામના પટેલ યુવાનને તેના જ ગામમાં રહેતા સદામ હનિફ નોતિયાર નામના શખ્સે રેતી અને બાયોડીઝલનો ધંધો કરવાનું કહ્યું હતું. પરંતુ પટેલ યુવાને આ ધંધો કરવાની ના પાડી હતી. જેનો ખાર રાખી સદામે મંગળવારે સવારના સમયે ગામની મુખ્ય બજારમાં યોગેશ ગોઠીને આંતરીને છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી તેમજ ઢીકાપાટુનો માર મારીને પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા સ્ટાફે ઈજાગ્રસ્ત યુવાનના નિવેદનના આધારે સદામ વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.