Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં કૌટુંબિક કાકાના ઘરમાંથી ચોરી કરનાર ભત્રીજો ઝડપાયો

જામનગરમાં કૌટુંબિક કાકાના ઘરમાંથી ચોરી કરનાર ભત્રીજો ઝડપાયો

મુંબઇ નાશી જવાની પેરવી કરતા ભત્રીજાને સિટી બી ડીવીઝન પોલીસે દબોચ્યો : પાંચ લાખ રોકડા અને પાનકાર્ડ તથા આધાર કાર્ડ કબ્જે

- Advertisement -

જામનગર શહેરમાં લંઘાવાડના ઢાળિયા પાસે રહેતા યુવાનના મકાનમાંથી અજાણ્યા તસ્કરોએ મકાનનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કરી તિજોરીની ચાવી વડે તેમાંથી રૂા.5 લાખની રોકડ સહિતની ચોરીના બનાવમાં સિટી બી ડીવીઝન પોલીસે ગણતરીના કલાકોમાં ચોરી આચરનાર કૌટુંબિક ભત્રીજો મુંબઇ નાશી જાય તે પહેલાં જ દબોચી લઈ રોકડ રકમ કબ્જે કરી હતી.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં દોઢ બે માસથી ઘરફોડ ચોરીના બનાવોએ માઝા મૂકી છે. તસ્કરોના તરખાટથી લોકોમાં ભય ફેલાઈ ગયો છે. દરમિયાન જામનગર શહેરમાં લંઘાવાડના ઢાળિયા પાસે રહેતા હારૂનભાઈ ઉર્ફે અલુભાઈ સુલેમાન આંબલીયાના મકાનમાંથી તા. 22 ના રોજ સવારે 11 વાગ્યાથી તા.23 સપ્ટેમ્બરના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યાના ગાળા દરમ્યાન બંધ રહેલા મકાનમાં અજાણ્યા તસ્કરોએ ઘરનો દરવાજો ખોલી લોખંડનો કબાટ ખોલી કબાટમાં કપડા નીચે રાખેલ તિજોરીની ચાવી વડે તિજોરીમાં પડેલ પર્સમાંથી રૂા. 500 અને 2000 ના દરની ચલણી નોટો મળી કુલ રૂા. 5 લાખ તથા ફરિયાદીનું આધાર કાર્ડ તેમજ પાનકાર્ડ ચોરી કરી ગયા હતાં.

ચોરીના બનાવ અંગેની જાણ હારૂનભાઈ દ્વારા કરાતા પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પો.કો. ધમેન્દ્રસિંહ જાડેજા, હેકો ક્રિપાલસિંહ સોઢાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ કે.જે.ભોયે તથા પીએસઆઈ ડી.એસ.વાઢેર, એએસઆઈ હિતેશભાઈ ચાવડા, હેકો રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, મુકેશસિંહ રાણા, પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, વનરાજભાઈ ખવડ, સંજયભાઈ પરમાર, યુવરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા, વિપુલભાઈ ગઢવી સહિતના સ્ટાફે જામનગરથી ખાનગી ટ્રાવેલ્સમાં મુંબઇ જવાની પેરવી કરતા હારુનભાઈના કૌટુંબિક ભત્રીજો સરફરાજ હુશેન આંબલિયા નામના શખ્સને દબોચી લઇ તેના થેલાની ઝડતી લેતા તેની પાસેથી રૂા.2000 અને રૂા.500 ના દરની રૂા.5 લાખની રોકડ રકમ અને ફરિયાદીનું આધાર કાર્ડ તથા પાનકાર્ડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular