ખંભાળિયા-ભાણવડ ધોરીમાર્ગ પર ગઈકાલે સોમવારે બપોરે એક છકડા રિક્ષા આડે કૂતરૂ ઉતરતા આ છકડો પલટી ખાઈ ગયો હતો અને તેમાં સવાર બે યુવતીઓના કરૂણ મૃત્યુ નીપજ્યા હતા.
આ સમગ્ર પ્રકરણ અંગે જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ભાણવારી ગામે રહેતા અને મૂળ કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામના રહીશ આલાભાઈ સામતભાઈ લાંબરીયા નામના યુવાન તેમના પત્ની નાથીબેન, તેમની બહેન મણીબેન સામતભાઈ, લાખીબેન સામતભાઈ તથા તેમના સંબંધીનો પુત્ર માલાભાઈ જગાભાઈ લહેરા (ઉ.વ. 23) સાથે નજીકના કોટડીયા ગામ ખાતે મજૂરી કામ માટે ગયા હતા.
સોમવારે બપોરે આશરે એકાદ વાગ્યે મજૂરી કામ કરીને તેઓ છકડા રીક્ષા મારફતે પરત ફરી રહ્યા હતા, ત્યારે ભાણવારી ગામના પાટીયા પાસે રીક્ષા આડે એક કૂતરું ઉતરતા આ કૂતરાને બચાવવા જતાં રીક્ષા ચાલક આલાભાઈએ રીક્ષા પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે આ છકડા રીક્ષા પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં મણીબેન સામતભાઈ લાંબરીયા (ઉ.વ. 20) તથા રીક્ષા ચાલક આલાભાઈના પત્ની નાથીબેન લાંબરીયા (ઉ.વ. 22) ને ગંભીર ઈજાઓ થતાં તેમના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે રીક્ષા ચાલકની નાની બહેન લાખીબેન તથા તેમના સંબંધી માલાભાઈને નાની મોટી ઈજાઓ થતાં તેમને ઈમરજન્સી 108 વાહન મારફતે અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે ભરવાડ સામતભાઈ મુરુભાઈ લાંબરીયા (ઉ.વ 55, મૂળ રહે. મોટા આસોટા, તા. કલ્યાણપુરા) એ ખંભાળિયા પોલીસને જાણ કરી છે.