જામનગરની આયુર્વેદિક ઈન્ટરનેશનલ હોસ્ટેલના ગેઈટ પાસે ફરજ પર રહેલા સિકયોરિટી ગાર્ડને એક શખ્સે છરી બતાવી રોકડની લૂંટ કરી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત મુજબ, શહેરના નવાગામ ઘેડ ગાયત્રી ચોક જસવંત સોસાયટીમાં રહેતા અભિરાજસિંહ સજુભા જાડેજા (ઉ.વ.29) નામનો યુવાન સિકયુરિટીમાં ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેમને વર્ષ 2013 માં અને છએક માસ પહેલાં પાડોશમાં રહેતા લખન ચાવડા સાથે માથાકૂટ થઈ હતી. યુવાન ગત તા.17 ના રોજ સાંજના પોતાની આયુર્વેદિક ઈન્ટરનેશનલ હોસ્ટેલના ગેઈટે પોતાની ફરજ પર હતો. આ દરમિયાન અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખીને લક્ષ્મણ ઉર્ફે લખન રામભાઈ ચાવડા સ્કૂટર ઉપર આવ્યો હતો અને યુવાન સાથે બોલાચાલી કરીને છરી બતાવી હતી અને યુવાનના ખીસ્સામાંથી રોકડ રૂા.1700 ની ઝુંટવી લીધા હતાં અને અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગેનો યુવાને સીટી બી ડિઝીનમાં ગત મોડી રાત્રીના ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ પરથી પોલીસે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને પીએસઆઈ એસ.એમ. રાદડિયાએ તપાસ હાથ ધરીને લખન ચાવડાની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.