દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પોલીસ દ્વારા ગઈકાલે રવિવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના એએસઆઈ સજુભા જાડેજા તથા હેડ કોસ્ટેબલ સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા- દ્વારકા ધોરીમાર્ગ પર કુવાડીયા ગામના પાટીયા પાસે એક દરગાહ તરફ જતા કાચા માર્ગ પાસે રહેલી એક સ્કોડા કારમાં ચેકિંગ કરતા આ મોટરકારમાંથી વિદેશી દારૂનો તોતિંગ જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસ દ્વારા રૂા. 81,600 ની કિંમતની 204 બોટલ વિદેશી દારૂ તથા રૂા. 2,00,000 ની કિંમતની સ્કોડા ફાબિયા મોટરકાર મળી કુલ રૂા. 2,81,600નો મુદ્દામાલ કબજો કર્યો હતો. દારૂનો આ જથ્થો કુવાડીયા ગામના ગીરીરાજસિંહ મહોબતસિંહ ચૌહાણ નામના શખ્સ દ્વારા જામનગર તાલુકાના નાઘેડી ગામે રહેતા આસીફ કાસમ કાટેલીયા નામના શખ્સ પાસેથી મંગાવી અને સગેવગે કરવાની તૈયારીમાં હોય, તે દરમિયાન એલસીબી પોલીસે આ મુદ્દામાલ ઝડપી લીધો હતો. આ સ્થળે ઉપરોક્ત બંને શખ્સો મળી આવ્યા ન હતા.
આ પ્રકરણમાં એલસીબી પોલીસે આગળની તપાસ ખંભાળિયા પોલીસને સોંપી છે. આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. ગળચર, એ.એસ.આઈ. સજુભા જાડેજા, કેશુરભાઈ ભાટિયા, જયદેવસિંહ જાડેજા, ભરતભાઈ ચાવડા, અજીતભાઈ બારોટ, દેવશીભાઈ ગોજીયા, સુનિલભાઈ કાંબલીયા, નરસીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.