જામનગર શહેરમાં રહેણાંક મકાનમાં રાંધણ ગેસના બાટલામાંથી ગેરકાયદેસર રિફિલીંગ કરાતું હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે રેઇડ દરમ્યાન ચાર શખ્સોને રૂા.3.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધાં હતાં.
મળતી વિગત મુજબ જામનગરના બેડીમાં ઉમતલીઅલી દરગાહની બાજુમાં આવેલા કાસમ છેર નામના શખ્સના મકાનમાં ગેરકાયદેસર રિફિલીંગ ચાલતું હોવાની એસઓજીના હેકો.શોભરાજસિંહ જાડેજા, રાજેશ મકવાણા, અનિરૂધ્ધસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ભોયે તથા પીએસઆઇ એ.એસ.ગરચર અને સ્ટાફ દ્વારા રેઇડ દરમ્યાન મકાનમાં છકડા રિક્ષા અને છોટા હાથીમાંથી રાંધણ ગેસના ભરેલાં બાટલાં ઉતારી અને આ કેસના બાટલામાંથી ખાલી ગેસના બાટલામાં ગેરકાયદેસર રિફિલીંગ કરતાં હતાં એસઓજીની ટીમે રેઇડમાં રૂા.1,80,000ની કિંમતના 62 નંગ સીલબંધ ઇન્ડેન કંપનીના બાટલા અને ત્રણ નિપલ તથા એક વજન કાંટો તેમજ બાટલાઓની હેરફેર માટે રાખેલી જીજે.10.યુ.8839 નંબરની છકડો રીક્ષા તથા જીજે.10.ટીટી.2542 નંબરનું છોટાહાથી સહિત રૂા.3,30,650નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
એસઓજીની ટીમે રેઇડ દરમ્યાન ગેરકાયદેસર રિફિલીંગ કરતાં કાસમ અજીત છેર, અબ્દુલ કરીમ કુરેશી, સિંકદર હાજી છેર, કાસમ અનવર મકવાણા નામના ચાર શખ્સોને રાંધણ ગેસના બાટલામાંથી ગેરકાયદેસર રિફિલીંગ કરતાં ઝડપી લઇ અને ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.