ચેક બાઉન્સ થવાના કેસમાં જામનગરની અદાલતે વધુ એક આરોપીને એક વર્ષની સજા અને એક લાખનો દંડ તેમજ ફરિયાદીને એક લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે.
કેસની પ્રાપ્ત વિગત અનુસાર જામનગરમાં બ્રિજરાજ એન્ટરપ્રાઇઝના નામથી નાણાં ધીરધારનો વ્યવસાય કરતાં રઘુરાજસિંહ બળવંતસિંહ જાડેજાએ જામનગરમાં રહેતાં સંજયસિંહ મુળરાજસિંહ જાડેજાને નાણાંની જરૂર્યિાત ઉભી થતાં રૂા. 1 લાખની પસર્નલ લોન આપી હતી. આ લોનની પરત ચૂકવણી માટે સંજયસિંહે બ્રિજરાજ એન્ટરપ્રાઇઝને રૂા. 1 લાખનો ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં રજૂ કરવામાં આવતાં ફંડના અભાવે બેંકમાંથી બાઉન્સ થયો હતો. જે અંગે બ્રિજરાજ એન્ટરપ્રાઇઝના માલિક રઘુરાજસિંહે નાણાંની વસુલાત માટે સંજયસિંહને લીગલ નોટિસ મોકલી હોવા છતાં રકમ ચૂકવવામાં નહીં આવતાં તેમણે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ અંતર્ગત કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જે અંગેનો કેસ ચાલી જતાં અદાલતે ચેક આપનાર આરોપી સંજયસિંહ જાડેજાને તકસીરવા ઠેરવી એક વર્ષની જેલ સજા તથા રૂા. એક લાખનો દંડ તથા રૂા. એક લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી બ્રિજરાજ એન્ટરપ્રાઇઝ તરફે જામનગરના ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા, નિરલ વી. ઝાલા, હરપાલસિંહ પી. ઝાલા અને સત્યજીતસિંહ પી. જાડેજા રોકાયા હતા.