જામનગર શહેર અને જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી મુજબ છેલ્લાં બે-ત્રણ દિવસથી તોફાની પવનો અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં આજે સવારે છ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન લાલપુરમાં અઢી ઈંચ અને જામનગર શહેરમાં બે તથા જામજોધપુર અને કાલાવડમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે મંગળવારે પણ રાબેતા મુજબ હળવા તથા ભારે ઝાપટા રૂપે વરસાદ વરસ્યો હતો. દ્વારકા તાલુકામાં નોંધપાત્ર અઢી ઈંચ સાથે જિલ્લામાં સર્વત્ર હળવા તથા ભારે ઝાપટાં નોંધાયા છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહી મુજબ જામનગર અને દ્વારકા જિલ્લામાં તોફાની પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં છેલ્લાં બે દિવસથી રાત્રિના અને સવારે તોફાની પવન તથા વીજળીના કડાકા ભડાકા સાથે લાલપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તેમજ જામનગર તાલુકાના વસઇમાં ધોધમાર અઢી ઇંચ તથા ધૂનડા, જામવાડી, પરડવા, વાંસજાળિયા, દરેડ અને લાખાબાવળમાં બે ઇંચ જેટલું પાણી વરસાવ્યું હતું. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતાં. લાલપુર તાલુકાનાં ભણગોરમાં બે ઈંચ અને પડાણામાં પોણા બે ઈંચ તથા ડબાસંગમ અને મોડપરમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ વરસાદ વરસ્યો હતો તથા પીપરટોડામાં એક ઈંચ પાણી પડયું હતું.
જામનગર શહેરમાં મંગળવારે સવારથી જ ધીમી ધારે શરૂ થયેલા મેઘરાજાએ ધીમે-ધીમે જોર પકડતા ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વરસાદની સાથે સાથે પવનના સૂસવાટા ફુંકાઇ રહ્યા હતાં. શહેરમાં આજે સવારે 6 વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન બે ઇંચ વરસાદ વરસાવ્યો હતો. જેના કારણે શહેરના મુખ્ય રાજમાર્ગો પર પાણી-પાણી થઈ ગયા હતાં અને નીચાણવાળા વિસ્તારોમાં ગણતરીની મિનિટોમાં પાણી ભરાઇ ગયા હતાં. જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં ધુતારપુરમાં એક ઈંચ અને મોટી બાણુંગાર, ફલ્લા, અલિયાબાડામાં વધુ અડધો – અડધો ઈંચ પાણી પડયું હતું તેમજ ધ્રોલ અને લૈયારામાં સામાન્ય ઝાપટા પડયા હતાં.
જામજોધપુરમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન સાથે ધીમી ધારે શરૂ થયેલા વરસાદે આજે સવારે 6 વાગ્યા સુધીના પૂરા થતાં 24 કલાક દરમિયાન સવા ઈંચ પાણી વરસાવ્યું હતું. જ્યારે તાલુકામાં મોટાભાગના ગામોમાં દોઢથી બે ઈંચ પાણી પડયું હતું. જ્યારે સમાણા, શેઠવડાળા અને ધ્રાફામાં વધુ સવા-સવા ઈંચ વરસાદ વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય પંથકમાં જામજોધપુર થી ઉપલેટા જવાના માર્ગ પર નવો પુલ બની રહ્યો છે અને આ પુલ પાસે બનાવેલો સીદસર નજીકનો બાયપાસ ભારે વરસાદને કારણે ધોવાઈ જતાં આ માર્ગ બંધ થઈ ગયો છે. જેથી લોકોએ હવે પાંચથી સાત કિ.મી. વધુ ફરીને ઉપલેટા તરફ જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
કાલાવડમાં ધીમી ધારે એક ઈંચ વરસાદ વરસ્યાના અહેવાલ છે. જ્યારે તાલુકામાં મોટા પાંચદેવડામાં સવા ઈંચ અને નવાગામ, મોટા વડાળા, નિકાવા, ભ.બેરાજા, ખરેડીમાં એક-એક ઇંચ પાણી પડયું હતું. જયારે જોડિયા ગામમાં વધુ અડધો ઈંચ વરસાદ પડયો હતો અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હડિયાણામાં પોણો ઈંચ, પીઠડમાં અડધો અને બાલંભામાં ઝાપટું વરસ્યું હતું.
દેવભૂમિ દ્વારકા તાલુકામાં ગઈકાલે મંગળવારે બપોરે 12 થી 2 દરમિયાન 38 મીલીમીટર અને 2 થી 4 દરમિયાન વધુ 23 મીલીમીટર મળી કુલ અઢી ઈંચ (61 મીલીમીટર) વરસાદ વરસી ગયો છે. આ સાથે દ્વારકા તાલુકાનો મોસમનો કુલ વરસાદ સાડા 33 ઈંચ (836 મીલીમીટર) થવા પામ્યો છે. આ સાથે ગઈકાલે કલ્યાણપુર તાલુકામાં દિવસ દરમિયાન એક ઈંચ (24 મીલીમીટર) વરસાદ વરસી ગયો હતો. જેથી કલ્યાણપુર તાલુકામાં કુલ 37 ઈંચ (930 મીલીમીટર) વરસાદ નોંધાયો છે. ખંભાળિયા શહેરમાં ગઈકાલે રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે વાઝડી જેવો વરસાદ વરસતા સર્વત્ર પૂર જેવા પાણી નીકળ્યા હતા. જો કે ગત રાત્રે સરકારી ચોપડે માત્ર બે મીલીમીટર વરસાદ નોંધાયો છે. આ સાથે ખંભાળિયામાં વધુ 9 મીલીમીટર મળી, કુલ સાડા 51 ઈંચ (1288 મીલીમીટર) વરસાદ નોંધાયો છે. ભાણવડ પંથકના ગઈકાલે માત્ર ચાર મીલીમીટર વરસાદ વરસ્યો હતો. જેથી ભાણવડમાં કુલ વરસાદ 26 ઈંચ (649 મીલીમીટર) થયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં 159 ટકા, દ્વારકા તાલુકામાં 157 ટકા, કલ્યાણપુર તાલુકામાં 109 ટકા અને ભાણવડ તાલુકામાં 90 ટકા મળી, જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ 127 ટકા વરસી ચૂક્યો છે. આજે પણ સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને હળવા વરસાદની શક્યતા જોવા મળી રહી છે.