કુદરતના કહેર સામે માનવી કેટલો પામર છે તેનું ઉદાહરણ હાલ ચોમેર વરસતા વરસાદ બાદ કર્ણાટકની સ્થિતિને જોતા લાગી રલું છે. કર્ણાટકમાં ભારે વરસાદ લોકો માટે મોટી સમસ્યા બની ગયો છે. સપ્ટેમ્બરનું પહેલું અઠવાડિયું પસાર થવા જઇ રલું છે, પરંતુ વરસાદ એવો કે તે ઓછો થવાનું નામ નથી લઈ રલો. રવિવારે રાત્રે શરૂ થયેલા વરસાદને કારણે બેંગલુરુ જળબંબાકાર થઈ ગયું છે. સોમવારે આખો દિવસ બેંગ્લોરના લોકો લાચાર જોવા મળ્યા. એવું લાગતું હતું કે બધું થંભી ગયું છે. વરસાદના કારણે બેંગ્લોર શહેરમાં પાણીનો પ્રવાહ જોવા મળ્યો અને જોતજોતામાં જ બધું પાણીમાં ગરકાવ થવા લાગ્યુ.
બેંગ્લોરમાં વરસાદી પાણીના કારણે શહેરના રસ્તાઓ પહેલાથી જ પાણીમાં ડૂબેલા હતા. આવી સ્થિતિમાં તળાવના પાણીથી લોકોની મુશ્કેલી બમણી થઇ ગઇ છે. સમગ્ર રીંગ રોડ પાણીમાં ગરકાવ જોવા મળ્યો હતો. શહેરના અંદરના વિસ્તારોથી લઇને બહારના વિસ્તારોમાં પાણીજ પાણી જોવા મળે છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. જ્યારે બેંગ્લોરની શેરીઓમાં પૂર આવ્યું ત્યારે અનેક રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. બેંગલુરુના પોશ વિસ્તારોમાં પણ પાણી ભરાઇ ગયા હતા.