લાલપુર તાલુકાના કાનાલુસમાં રહેતાં યુવક અને યુવતીના પ્રેમસંબંધ મામલે અગાઉ થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખી યુવતીના પિતા સહિતના ચાર શખ્સો યુવકના પિતરાઈ ઉપર લોખંડના પાઈપ અને ધારિયા વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં રહેતાં નટુભાઈના પુત્ર કિરીટને તેના જ ગામના રહેતાં ગોવિંદ વાલા સોલંકીની પુત્રી સાથે પ્રેમસંબંધ હતો અને આ પ્રેમ સંબંધ મામલે અગાઉ થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખીને ગત શુક્રવારે રાત્રિના સમયે યુવતીના પિતા ગોવિંદ વાલા સોલંકી, બુધા વાલા સોલંકી, કિશોર બુધા સોલંકી અને રાજા જશા ભરવાડ નામના ચાર શખ્સોએ એકસંપ કરી કિરીટના પિતરાઇ અમુભાઈ હરજીભાઈ ચાવડા નામના યુવાન ઉપર લોખંડના પાઈપ અને ધારિયા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં અમુભાઇને છોડાવવા વચ્ચે પડેલા હરજીભાઈ અને સુરેશભાઇ ઉપર હુમલાખોરોએ ધારિયાના અને પાઈપના ઘા ઝીંકયા હતાં. ચાર શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં ત્રણ વ્યક્તિઓ ઘવાતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા આવ્યાં હતાં.
દરમિયાન આ બનાવની જાણ કરાતા હેકો વી.સી. જાડેજા તથા સ્ટાફે ઈજાગ્રસ્ત અમુ હરજી ચાવડાના નિવેદનના આધારે યુવતીના પિતા સહિતના ચાર શખ્સો વિરૂધ્ધ હુમલો અને ધમકીનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.