સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સ આવકવેરા કરદાતાઓ માટે પેમેન્ટ કરવાની સુવિધા વધારવામાં આવી છે. હવેથી કરદાતાઓને પેમેન્ટ કરવા માટે નેટબેંકિંગ અને ચલણની સાથે આરટીજીએસ, એનઇએફટી, ક્રેડિટ કાર્ડ અને યુપીઆઇના વિકલ્પો પણ પોર્ટલ પર મળશે. અત્યાર સુધી નેટબેકિંગ, ડેબિટ કાર્ડ અને ચલણ દ્વારા બેંકમાં રૂપિયા ડિપોઝીટ કરવાની વ્યવસ્થા ઉપલબ્ધ હતી.
આવકવેરા વિભાગના સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ કરદાતાઓને સુવિધાને ધ્યાનમા લઇ સતત પોર્ટલને અપડેટ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે લાંબા સમયથી કરદાતાઓ અને સીએ દ્વારા પેમેન્ટ માટે આરટીજીએસ અને યુપીઆઇનો વિકલ્પ આપવમાં આવે તેવી રજૂઆતો પણ કરવામાં આવી હતી. જેને પગલે બોર્ડ દ્વારા આ નિર્ણય લેવાયો છે.
કરદાતાઓ હવે કોઇ પણ બેંક દ્વારા આરટીજી એસ કે એનઇએફટી દ્વારા ટેક્સ ચુકવી શકશે. ચલણ જનરેટ થયાના 15 દિવસમાં ટેક્સ ચુકવણી ફરજીયાત છે.
ચાર્ટડ એકાઉન્ટન્ટનું કહેવુ છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા કરદાતાઓ માટે પોર્ટલ પર પેમેન્ટ માટે નવા વિકલ્પો શરુ કરવામાં આવતા કરદાતાઓને રાહત મળશે, નવા વિકલ્પો શરૂ થતા તેમને પેમેન્ટ કરવામાં પણ સરળતા રહેશે. લાંબા સમયથી દેશભરમાંથી કરદાતાઓ અને પ્રોફેશનલ્સ દ્વારા આ માંગણી કરવામાં આવી રહી હતી. ટેક્સ ક્ધસલ્ટન્ટ નારાયણ શર્માએ જણાવ્યુ હતું કે સીબીડીટી દ્વારા હાલમાંજ આ અંગે પરિપત્ર જારી કરવામાં આવ્યો છે, અને તેનો અમલ પણ શરુ થઇ જશે. આ સુવિધાઓ શરુ થતા કરદાતાઓને રાહત મળશે.