ઈસ્લામિક કટ્ટરવાદ અને મહિલાઓ માટે આકરા નિયમો માટે જાણિતા સાઉદી અરબમાં ફેશન શો યોજાતા વિવાદ સર્જાયો છે. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આધુનિક વિશ્ર્વ સાથે તાલ મિલાવતાં સાઉદી અરબમાં મહિલાઓને એવા અધિકારો આપવા લાગ્યા છે, જે અંગે તેમણે સપનામાં પણ વિચાર્યું ન હોય. સાઉદીનો ફેશન ઉદ્યોગ પણ આ પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે. જોકે, દેશમાં મહિલાઓ માટે થઈ રહેલા સુધારાઓના કારણે પ્રિન્સ સલમાન કટ્ટરપંથીઓના નિશાના પર આવી ગયા છે. પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું માનવું છે કે વિઝન 2030ની સફળતા માટે મહિલાઓની ભૂમિકા ઘણી મહત્વની છે.
તેથી સાઉદીમાં અત્યારે એવા અનેક પરિવર્તનો આવી રહ્યા છે, જે ક્યારેક અશક્ય લાગતા હતા. આવા જ પરિવર્તનના ભાગરૂપે સાઉદી અરબની રાજધાની રિયાધમાં તાજેતરમાં એક ફેશન વીકનું આયોજન થયું હતું. આમ તો સાઉદીમાં 2018માં પહેલી વખત ફેશન વીક યોજાયું હતું, પરંતુ આ વખતે ઘણા મોટા સ્તરે તેનું આયોજન થયું. આ ફેશન વીકમાં 18 ડિઝાઈનર્સે ભાગ લીધો હતો. જોકે, આ ફેશન વીકના કારણે પ્રિન્સ સલમાન કટ્ટરપંથીઓના નિશાન પર આવી ગયા છે. કટ્ટરપંથી મુસ્લિમો સવાલ કરી રહ્યા છે કે એ દેશ જ્યાં બે સૌથી પવિત્ર મસ્જિદ છે, ત્યાં આ વ્યક્તિ સુલતાન બનવાને યોગ્ય છે? એક મહિલા ઈન્ફ્લુએન્સરે આ ફેશન વીકને દેશ માટે શરમજનક ગણાવ્યો હતો. તેમણે કહ્યું, મને ખબર હતી કે આ શો એક મિક્સ શો છે, જ્યાં મહિલા અને પુરુષો બંને હશે. કેટલાક નાગરિકોએ પણ સવાલ કર્યો કે આ પ્રકારના કાર્યક્રમોને મંજૂરી શા માટે અપાઈ રહી છે. મોહમ્મદ બિન સલમાનને ક્રાઉન પ્રિન્સ જાહેર કરાયા છે ત્યારથી સાઉદીમાં અનેક સામાજિક પરિવર્તનો આવ્યા છે. હવે અહીં મહિલાઓ ડ્રાઈવ કરી શકે છે, લિંગ ભેદભાવ ઘણા ઓછા થયા છે અને મહિલાઓ મનોરંજન માટે કેટલીક જગ્યાઓ પર જઈ શકે છે. ફેશન વીકને પણ આવું જ એક આયોજન માનવામાં આવે છે. પ્રિન્સ સલમાન વર્ષ 2030 સુધીમાં દેશ બદલવા માગે છે. તેથી હવે મહિલાઓની ભાગીદારી પણ વધારવામાં આવી છે.