સંરક્ષણ મંત્રાલયની સ્થાઈ સંસદીય સમિતિએ સંસદ સમક્ષ રજૂ કરેલા અહેવાલમાં સંરક્ષણ સંશોધન માટે ઘટી ગયેલા બજેટની ચિંતા વ્યક્ત કરી હતી. સંસદીય સમિતિએ જીડીપીનો એક ટકા હિસ્સો ફાળવવાની ભલામણ કરી હતી.
ડિફેન્સ રિસર્ચ માટે બજેટ ઘટી જતાં એ બાબતે સંસદીય સમિતિએ ચિંતા વ્યક્ત કરી હતી. સંરક્ષણ સંશોધન બાબતે આત્મનિર્ભર બનવાની કોશિશ ચાલી રહી છે, પરંતુ એ દરમિયાન ડિફેન્સ રિસર્ચ માટે ફાળવવામાં આવતું બજેટ ઘટી ગયું છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ને મળતા બજેટમાં છેલ્લાં થોડાંક વર્ષોથી ઘટાડો થયો છે. સંસદીય સમિતિએ ભલામણ કરી હતી કે ડીઆરડીઓને જીડીપીનો એક ટકા હિસ્સો મળે એ આજની જરૂરિયાત છે. બજેટ ઘટી ગયું હોવાથી ડિફેન્સ રિસર્ચના ઘણાં પ્રોજેક્ટ અટકી પડે છે અને બજેટના આધારે પ્રાથમિકતા નક્કી કરવી પડે છે.
2016-17માં ડીઆરડીઓને જીડીપનો 0.88 ટકા હિસ્સો મળ્યો હતો. એ ઘટીને 2021-22માં ઘટીને 0.84 ટકા હિસ્સો થઈ ગયો હતો. વચ્ચે એક-બે વર્ષ એ હિસ્સો થોડો વધ્યો હતો, પરંતુ ફરીથી તેમાં ઘટાડો થતાં સંશોધનને અસર પહોંચી હતી. ડીઆરડીઓની ડિમાન્ડ કરતાં ઓછું બજેટ ફાળવાતું હોવાનું પણ રિપોર્ટમાં કહેવાયું હતું. 2021-22ના વર્ષ માટે ડીઆરડીઓએ 23460 કરોડનું બજેટ માગ્યું હતું, તેની સામે 20,457 કરોડ રૂપિયાનું બજેટ મળ્યું હતું.