જામનગર પીજીવીસીએલ દ્વારા આજરોજ 30 ટીમો દ્વારા પોલીસ અને એસઆરપીને સાથે રાખી જામનગર શહેરના કેટલાંક વિસ્તારોમાં વીજચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 67 વીજજોડાણોમાંથી રૂા.17.65 લાખની વીજચોરી ઝડપાઇ હતી.
પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા આજે સવારથી નગર સીમ, ખંભાળિયા ગેઈટ, જામનગર ગ્રામ્ય હેઠળના વિવિધ વિસ્તારો આર્ય સમાજ રોડ, ઢીચડા રોડ, વાયુનગર, સેનાનગર, કાલાવડ નાકા બહાર સહિતના વિસ્તારોમાં 30 ટીમો દ્વારા 12 એસઆરપી જવાન, 8 એકસઆર્મી મેન સાથે રાખીને વીજ ચેકીંગ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કુલ 364 વીજ જોડાણોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જે પૈકી 67 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા કુલ 17.65 લાખના વીજચોરીના બીલ ફટકારવામાં આવ્યા હતાં. પીજીવીસીએલના ચેકીંગના પરિણામે વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો.


