કલ્યાણપુર નજીકના કબીર નગર વિસ્તારમાંથી રાત્રિના આશરે દસેક વાગ્યાના સમયે જીજે-37-ટી-5779 નંબરના બોલેરો પીકઅપ વાહનમાં કેટલાક પશુઓને લઈ જવામાં આવતા હતા. આ અંગે ચેકિંગમાં આ બોલેરો વાહનમાં ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વગર તેમજ અતિ ક્રુરતાપૂર્વક બાંધીને, હરીફરી ન શકે તે રીતે સાત નંગ પાડા તથા બે નંગ વાછરડાને લઈ જવામાં આવતા હોવાનું ધ્યાન આવ્યું હતું.
આથી પશુઓને ઘાતકી રીતે બાંધીને પૂરઝડપે અને અકસ્માતની સંભાવના જણાતા વાહનમાં આ પશુઓને લઈ જવા સબબ કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા પરબતભાઈ પુંજાભાઈ ડાભી (ઉ.વ. 45) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ભાણવડ તાલુકાના ઢેબર ગામના હુસેન ઈબ્રાહીમ હિંગોરા અને મૌજીન મજીદ હિંગોરા નામના બે શખ્સો સામે આઇ.પી.સી. કલમ 279 તથા પશુઓ તરફ ઘાતકી વર્તન અટકાવવા માટેના કાયદા અન્વયે ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી કરી હતી.