ખંભાળિયા પંથકમાં વધતા જતા બાઈક ચોરીના બનાવવા અંગે સ્થાનિક પોલીસે સઘન કામગીરી કરી, આ ગુનામાં સંડોવાયેલા કાયદાથી સંઘર્ષિત એવા એક કિશોરની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં બાઇકની ઉઠાંતરી થવા અંગે સ્થાનિક પોલીસને માહિતગાર કરવામાં આવ્યા હતા. જે સંદર્ભે પોલીસે ગુનો નોંધ્યો હતો. આ સંદર્ભે પોલીસે શહેરના જુદા જુદા વિસ્તારોમાં સીસીટીવી કેમેરાનું ચેકિંગ કરી આ સંદર્ભે એક શખ્સ જીજે-10-એએલ-1762 નંબરના બાઈકને ચોરી કરીને જતો હોવાનું ખુલવા પામતા અહીંના સર્વેલાન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુર તથા કોન્સ્ટેબલ યોગરાજસિંહ ઝાલા અને કાનાભાઈ લુણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના જોધપુર ગેઈટ વિસ્તારમાંથી રૂા. 20,000 ની કિંમતના 1762 નંબરના બાઈક લઈને નીકળેલા કાયદાથી સંઘર્ષિત એવા એક કિશોરને પોલીસે અટકાવી પૂછપરછ કરતા તેમની પાસે રહેલા આ બાઈક ઉપરાંત અન્ય બે મોટરસાયકલની પણ તેણે ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.
આથી પોલીસે રૂપિયા વીસ હજારની કિંમતના જીજે-10-એએલ-1762 નંબરના બાઈક ઉપરાંત રૂા. 15,000 ની કિંમતના જીજે-10-બીસી-3366 નંબરના સુઝુકી બાઈક અને રૂા.5,000 ની કિંમતના જીજે-10-એમ-7164 નંબરના ટી.વી.એસ. બાઈક શક પડતી મિલકત તરીકે કબજે કરી, સીઆરપીસી કલમ 102 મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી. આમ, શહેરમાં થયેલી બાઈક ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ પોલીસને સફળતા મળી હતી.