જામનગરના કુખ્યાત ભૂ-માફિયા જયેશ પટેલ અને તેની ટોળકી સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુન્હો નોંધાયા પછી જેલમાં મોકલી દેવાયેલા 12 આરોપીઓને જેલમાં અપાતી સવલત સિવાયની વધારાની સુવિધા બંધ કરવાનો અને કેસની મુદ્દતે માત્ર વીડિયો કોન્ફરન્સથી હાજર રહેવાનો રાજ્યના ગૃહવિભાગે હુકમ કર્યો છે.
આ અંગેની વિગત મુજબ, જામનગરના વેપારીઓ, કારખાનેદારો, બિલ્ડરોને ધમકાવી કુખ્યાત ભૂ-માફિયા જયેશ પટેલ દ્વારા ઓર્ગેનાઈઝડ ક્રાઈમ આચરાતું હોવાની ઉઠેલી ફરિયાદ પછી બે વર્ષ પહેલા જામનગરના તત્કાલિન પોલીસવડા દીપન ભદ્રન દ્વારા જયેશ પટેલ તથા તેની ટોળકીના 13 સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુન્હો નોંધ્યો હતો. આ ગેંગના અતુલ ભંડેરી, યશપાલસિંહ જાડેજા, પૂર્વ પોલીસકર્મી વસરામભાઈ મિયાત્રા, બિલ્ડર નિલેશભાઈ ટોલીયા, પ્રવીણ ચોવટીયા, જશપાલસિંહ જાડેજા, મુકેશ અભંગી, અનિલ પરમાર, જીગર ઉર્ફે જીમી આડતીયા, પ્રફુલ પોપટ, અનિલ ડાંગરીયા અને વકીલ વસંતભાઈ લીલાધરભાઈ માનસાતા વગેરેની ધરપકડ કરાઈ હતી. રાજકોટ સ્થિત ગુજસીટોક કાયદાની ખાસ અદાલતે તમામ આરોપીઓને રાજ્યની જુદી-જુદી જેલમાં ધકેલી દીધા હતા.
ગૃહમંત્રાલયે જામનગર સહિતની જેલમાં રહેલા આ ગુન્હાના આરોપીઓને જેલમાં મળતી સવલત સિવાયની બાકીની સુવિધાઓ બંધ ક2વાનો હુકમ કર્યો છે. તેથી આ આરોપીઓને જેલમાં મળતી ઘરના સુવિધાઓ બંધ ક2વામાં આવશે. તે ઉપરાંત આ તમામ બાર આરોપીઓ સામેનો રાજકોટની અદાલતમાં ચાલતો કેસ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આગળ ચલાવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.