સમહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે બિલ્કિસ બાનો કેસ સાથે સંકળાયેલા દોષિતો મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. ફડણવીસે જણાવ્યું કે, જો દોષિતોને સન્માનિત કરવામાં આવ્યા છે તો તે યોગ્ય નથી અને આ પ્રકારના કૃત્યોનું કોઈ સ્પષ્ટીકરણ ન હોઈ શકે. ફડણવીસે જણાવ્યું કે, 2002માં બનેલા બિલ્કિસ બાનો રેપ કેસના 11 દોષિતોને તાજેતરમાં સુપ્રીમ કોર્ટના એક આદેશ બાદ ગુજરાત સરકારે માફી નીતિના આધાર પર મુક્ત કર્યા હતા. પરંતુ ક્રાઈમ સાથે સંકળાયેલા લોકોને સન્માનિત કરવા યોગ્ય નથી. વિધાન પરિષદમાં ભંડારા જિલ્લા ખાતે 3 લોકોએ એક 35 વર્ષીય મહિલાનું કથિત યૌન ઉત્પીડન કર્યું તે મામલે ચર્ચા ચાલી રહી હતી. તે દરમિયાન ફડણવીસે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું અને સદનમાં બિલ્કિસ બાનો મુદ્દો ઉઠાવવાનું કોઈ કારણ નથી તેમ પણ કહ્યું હતું. ફડણવીસે જણાવ્યું કે, આરોપીઓને આશરે 20 વર્ષ બાદ, 14 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ મુક્ત કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના એક આદેશ બાદ મુક્તિ મળી છે. પરંતુ જો કોઈ આરોપીને સન્માનિત કરવામાં આવે છે અને તેનું સ્વાગત કરવામાં આવે છે તો તે ખોટું છે.