જામનગર શહેરમાં કોળીના દંગામાં મેલડીના માતાજી મંદિર પાસે રહેતાં યુવાનને ઘણાં સમયથી દારૂ પીવાની કૂટેવ હોય અને માતા-પિતાના કહેવામાં ન હતો. તેમજ બેકાર રહેતાં યુવાને નશો કરેલી હાલતમાં ઘરેથી નિકળીને ટ્રેન હડફેટે આવી જતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
બનાવના વિગત મુજબ, જામનગર શહેરમાં કોળીના દંગામાં મેલડીના માતાજી મંદિર પાસે રહેતો સાગર ગુલાબભાઇ ડાભી (ઉ.વ.31) નામના યુવાનને ઘણાં સમયથી દારૂ પીવાની કૂટેવ હતી. આ કૂટેવને કારણે સાગર તેની માતા-પિતાનું કહ્યું માનતો ન હતો. તેમજ ઘણાં સમયથી કોઇ કામધંધો કરતો ન હતો. દરમિયાન મંગળવારની મધ્યરાત્રિના નશો કરેલી હાલતમાં ઘરેથી નિકળી ગયો હતો અને જામનગરમાં રેલવે સ્ટેશન પાસેના ખુલ્લા ફાટક નજીક રેલવે ટ્રેક પરથી પસાર થતી ટે્રન હડફેટે આવી જતાં શરીરે તેમજ માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જેના કારણે ઘટનાસ્થળે જ યુવાનનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા હેકો એ.જે. સિંહલા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પિતા ગુલાબભાઈના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.