પંચાયત સંવર્ગના તલાટીઓની હડતાલ સમેટાઈ છે. પંચાયત રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા સાથે યોજાયેલ ફળદાઈ બેઠકમાં નિર્ણય લેવાયો છે. રાજ્યમાં પંચાયત સંવર્ગના તલાટીઓ દ્વારા તેમની માંગણીઓ સંદર્ભે હડતાલ ચાલી રહી હતી જે આજે તેઓએ પરત ખેચીને હડતાળ સમેટવાનો નિર્ણય કર્યો છે એમ પંચાયત તલાટી મંડળ એસોસિ એસો.ના પ્રમુખ દ્વારા જાહેરાત કરાઈ છે. આજે ગાંધીનગર ખાતે પંચાયત રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષ સ્થાને એસોસિએશન હોદ્દેદારો તથા પંચાયત વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં તેઓના પ્રશ્નો અને માંગણીઓ સવિસ્તૃત ફળદાયી ચર્ચા વિચારણા કરાઈ હતી. જેના પરિણામે મંડળ દ્વારા આ હડતાલ પરત ખેંચવાનો નિર્ણય કરાયો છે.
આ અંગે એસો.ના હોદ્દેદારોએ જણાવ્યા મુજબ રાજયકક્ષાના પંચાયત મંત્રીના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજય તલાટી – કમ – મંત્રી મહામંડળની પડતર માંગણીઓ ઉપર ચર્ચા – વિચારણા કરવામાં આવી હતી. જેમાં સમિતિના હોદેદારો સહમતિ દર્શાવી મહામંડળની માગણીઓ પરત્વે હકારાત્મક વિચારણા થવાથી રાજીખુશીથી હડતાલ સમાપ્ત કરવાની જાહેરાત કરીએ છીએ.
બેઠકમાં સરકાર તરફે નિર્ણય લેવાયો હતો કે, વર્ષ 2006 પહેલા ફીકસ પગારથી નિમણૂક થયેલ તલાટી-કમ મંત્રીને તા.19/1/ 2017 નાણા વિભાગના પરિપત્ર મુજબ તેમની સેવાઓ સળંગ ગણવાની માંગણીનો સ્વીકાર કરવામાં આવેલ છે. પ્રથમ ઉચ્ચત્તર પગારધોરણ માટે ખાતાકીય પરીક્ષાના નિયમો બન્યા બાદ પ્રથમ પરીક્ષા લેવાયા તે તા.રર/11/19 સુધી પાત્રતા ધરાવતા તલાટી-કમ-મંત્રીને પ્રથમ ઉચ્ચત્તર પગારધોરણ માટે પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગણી અંગે હકારાત્મક વિચારણા કરવામાં આવેલ છે.
બીજા ઉચ્ચત્તર પગારધોરણ મંજુર કરવા માટે પ્રથમ અને બીજા ઉચ્ચત્તર પગારધોરણ માટે એક જ અભ્યાસક્રમ હોઇ બીજા ઉચ્ચત્તર પગારધોરણ મંજુર કરવા પરીક્ષામાંથી મુક્તિ આપવા અંગે હકારાત્મક વિચારણા કરવામાં આવેલ છે, પરંતુ બઢતી માટે પરીક્ષા આપવાની રહેશે. મહેસુલી તલાટી અને પંચાયતી તલાટીના જોબ ચાર્ટ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં અધિક મુખ્ય સચિવ (પંચાયત), અધિક મુખ્ય સચિવ (મહેસૂલ) અને અધિક મુખ્ય સચિવ સામાન્ય વહીવટ વિભાગ એમ ત્રણ વિભાગના વડાઓની સમિતિ આ અંગે ચર્ચા વિચારણા કરશે. પંચાયતી તલાટી – કમ – મંત્રીને તા.1 /10/2012 ના ઠરાવથી મળતું રૂ.900નું ખાસ ભથ્થું વધારીને રૂ.3000 કરવા વિચારણા કરેલ છે.