- Advertisement -
ભગવાન શ્રીકૃષ્ણના મહાપર્વ જન્માષ્ટમીની ખંભાળિયામાં ઉમંગ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ જાણીતી હિન્દુ સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય શોભાયાત્રા સહિતના જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
ખંભાળિયામાં જન્માષ્ટમી નિમિત્તે શુક્રવાર તારીખ 19 મીના રોજ ભગવાન શ્રીકૃષ્ણની પરંપરાગત શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના નેજા હેઠળ યોજવામાં આવેલી આ શોભાયાત્રા શુક્રવારે સવારે 8:30 વાગ્યે અત્રે શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતેથી પ્રયાણ કરશે. આ શોભાયાત્રા પાંચ હાટડી ચોક, લુહાર શાળ, ઝવેરી બજાર, હર્ષદ માતાજીનું મંદિર, મેઈન બજાર, ગાંધી ચોક, રાજડા રોડ, શ્રી હિન્દ કલોથ સ્ટોર, શ્રી રામ મંદિર, નગર ગેઈટ, શારદા સિનેમા રોડ થઈ અને અત્રે શ્રી મહાપ્રભુજીની બેઠકજી ખાતે સંપન્ન થશે.
માર્ગમાં આ શોભાયાત્રાનું વિવિધ મંડળો તથા આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત-સન્માન કરવામાં આવશે. આ શોભાયાત્રામાં સહભાગી થવા સર્વે ધર્મપ્રેમી જનતાને વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા અપીલ કરવામાં આવી છે.
- Advertisement -