જામનગર તાલુકાના સિક્કા ગામના પાટીયા પાસેની એલિન્ટા હોટલમાં મોડી સાંજે આગ લાગ્યા પછી આગે ભયાનક સ્વરૂપ ધારણ કરી લેતાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જામનગર- સિક્કા- મોટી ખાવડી સહિતના વિસ્તારમાંથી ફાયર ફાઈટર સ્થળ પર પહોંચી ગયા હતાં. જ્યારે 108 એમ્બ્યુલન્સને તૈનાતમાં રાખવામાં આવી હતી ત્રણ કલાકની ભારે જહેમત પછી આગ કાબુમાં લેવામાં આવી હતી. જો કે આ પૂર્વે ત્રણ લોકોને ગુંગળામણ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના સિક્કા ગામના પાટીયા પાસે આવેલી એલિન્ટા હોટલમાં મોડી સાંજે 7:45 વાગ્યાના અરસામાં હોટલના પાર્કિંગના એરિયામાં ઇલેકટ્રીક પેનલમાં શોર્ટ સર્કિટ થયા પછી આગને ફાયર એકસ્ટીંગ્યુરથી કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. ત્યારબાદ થોડીવારમાં આગે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના કારણે હોટલના પાંચેય માળ સળગવા લાગ્યા હતા અને દૂર સુધી આગના ધૂમાડા દેખાતા હતા. તેથી ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સૌપ્રથમ સિક્કા ડીસીસી કંપની, રિલાયન્સ, જીએસએફસી કંપનીઓમાંથી ફાયર ફાઈટર તેમજ જામનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઇ તથા ફાયરની ટુકડીઓ ફાયર ફાઇટર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. જ્યાં ત્રણ કલાકની જહેમત પછી આખરે આગને કાબુમાં લઈ લીધી હતી પરંતુ આગ ના કારણે હોટલનો મોટો હિસ્સો બળીને ખાખ થયો હતો ઉપરાંત પાર્કિંગમાં રહેલી ત્રણ કાર અને બે થી ત્રણ સ્કૂટર ભસ્મીભુત થયા હતા.
આગની ઘટના સમયે અનેક લોકો અંદર ફસાયા હોવાની જાણકારી મળતા તંત્ર દોડતું થયું હતું અને જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘી અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિત તમામ સરકારી એજન્સીઓ દોડતી થઈ હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. 108 ની ટીમો પણ તૈયાર રાખવામાં આવી હતી પરંતુ આગમાં કોઇ જાનહાની થઇ ન હતી. માત્ર ત્રણ વ્યક્તિઓને ગુંગળાઈ જવાના કારણે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.