ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન 11 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે ત્યારે બજારોમાં અવનવી રાખડીઓનું વેચાણ થઈ રહ્યું છે. બહેનો દ્વારા ભાઈઓ માટે અવનવી વેરાયટીની રાખડીઓની ખરીદી કરવામાં આવી રહી છે. પાંચ રૂપિયાથી 2200 રૂપિયા સુધીની રાખડીઓ બજારમાં વેેંચાઈ રહી છે.
શ્રાવણ સુદ-પૂનમ એટલે કે રક્ષાબંધનના દિવસ બહેન ભાઈને રાખડી બાંધી દિર્ઘાયુની કામના કરે છે. અગાઉ રાખડીમાં દોરાની રાખડીઓ જોવા મળતી પરંતુ હાલ સમય બદલાતા અનેક અવનવી વેરાયટીઓની રાખડીઓ જોવા મળે છે. જામનગરમાં અનેક સ્થળો પર રાખડીના સ્ટોલ લાગી ચૂકયા છે. આ વર્ષે રાખડીઓમાં અનેકવિધ વેરાયટીઓ બજારમાં ઉપલબ્ધ છે. બાળકો માટે છોટાભીમ, બેટમેન, સ્પાઈડરમેન ઉપરાંત લાઇટ વાળી રાખડીઓ બજારમાં જોવા મળી રહી છે. તો બીજી તરફ રાજકીય ફોટાઓ સાથેની રાખડીઓ પણ વેંચાઇ રહી છે જેમાં શહીદ ભગતસિંહ, નરેન્દ્ર મોદી, અમિત શાહ, યોગી આદિત્યનાથ, અરવિંદ કેજરીવાલ, હાર્દિક પટેલ, બીજેપીનું કમળ સહિતની ફોટાવાળી રાખડીઓ તથા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, અમિતશાહ અને ચાણકય વાળા ફોટાવાળીઓ રાખડીઓ તેમજ ભગતસિંહના ફોટાવાળી રાખડીઓ પણ બજારમાં ઉપલબ્ધ છે.
બે વર્ષ કોરોનાકાળને કારણે રાખડી ઉદ્યોગને માઠી અસર પડી હતી. હવે બહેનો બજેટને ધ્યાનમાં રાખી ખરીદી કરી રહ્યાં છે. આ ઉપરાંત જામનગરમાં બહેનો દ્વારા ભાભીને પણ રાખડી બાંધવામાં આવતી હોય જેને ધ્યાને લઇ કપલ રાખડી પણ બજારમાં વેંચાઇ રહી છે. ગણતરીનો સમય બાકી રહ્યો હોય, બજારમાં ખરીદી થઈ રહી છે.