જામનગર તાલુકાના હાપામાં એલ્ગન સોસાયટીમાં રહેતાં યુવાનનું મંદિરના બાંકડે નિંદ્રાધિન હાલતમાં બેશુદ્ધ થઈ જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગરની સરકારી હોસ્પિટલમાં અજાણ્યા પુરૂષનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના હાપામાં એલ્ગન સોસાયટીમાં રહેતાં અને મજૂરી કામ કરતો નાગજીભાઈ કિશોરભાઈ મકવાણા (ઉ.વ.30) નામનો યુવાન તેના ઘરેથી શનિવારે સવારના સમયે હાપા યાર્ડમાં મજૂરી કામે ગયો હતો અને ત્યાંથી પરત ફર્યો ન હતો. ત્યારબાદ રવિવારે સવારના સમયે હાપામાં આવેલા મેલડી માતાજીના મંદિર પાસેના બાંકડા પર બેશુદ્ધ હાલતમાં મળી આવતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની કિશોરભાઈ મકવાણા દ્વારા જાણ કરાતા હેકો એચ.બી.પાંડવ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં બીમારી સબબ સારવાર માટે દાખલ કરવામાં આવેલા 50 વર્ષના અજાણ્યા પુરૂષનું સારવાર કારગત નિવડે તે પહેલાં મોત નિપજ્યું હતું. આ અંગે હિતેશગીરી ગોસાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા અને પીએમ માટે મોકલવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.