બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. લો પ્રેશરના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. શુક્રવાર સુધી વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાઇ છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં મંગળવારથી ગુરૂવાર સુધી મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.ગુજરાતમાં હજુ સુધી સીઝનનો 76 ટકા વરસાદ નોંધાયો છે. સોમવારે સવારે છ વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 100 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં 65 એમ.એમ. નોંધાયો છે. અમરેલી જિલ્લાના બાબરામાં પણ 65 એમ. એમ. વરસાદ પડ્યો છે. ગુજરાત માં અત્યાર સુધી સરેરાશ 76.21 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છમાં 125.60 ટકા, ઉત્તર ગુજરાતમાં 62.59 ટકા, સૌરાષ્ટ્રમાં 71.05 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 65.68 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 87.39 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે.