ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે આજથી આશરે છ વર્ષ પૂર્વે એક પરિણીતાએ આપઘાત કરી લેતા આ સંદર્ભે ખંભાળિયાની અદાલતે મૃતક મહિલાના પતિને દોષિત ઠેરવી ત્રણ વર્ષની કેદ તથા રોકડ દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે રહેતા પ્રવિણસિંહ ભૂપતસિંહ જાડેજાના લગ્ન માંગરોળ તાલુકાના રહીજ ગામના મુળુભા ચુડાસમાની પુત્રી કંચનબા સાથે થયા હતા. બાર વર્ષના લગ્ન ગાળા દરમિયાન પતિ પ્રવિણસિંહ અવારનવાર દારૂ પીને કંચનબાને દુ:ખ-ત્રાસ આપી, મારકુટ કરતો હતો. આ ત્રાસથી કંટાળેલા કંચનબાએ ગત તા. 28-10-2016 ના રોજ વડત્રા ખાતે પોતાના ઘરે કેરોસીન છાંટી, દીવાસળી ચાપી લીધી હતી. જેથી તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.
આ અંગે મૃતક કંચનબાના ભાઈ કનુભા ચુડાસમાએ ખંભાળિયા પોલીસ મથકમાં પોતાના બનેવી સામે ધોરણસર ફરિયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ ખંભાળિયાની પ્રિન્સિપાલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા આ ગુના સંદર્ભે અહીંના સરકારી વકીલ કમલેશભાઈ દવે દ્વારા રજુ કરવામાં આવેલા પુરાવાઓ તથા ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી, અદાલતે આપઘાતની દુષ્પ્રેરણા સબબ આરોપી પ્રવિણસિંહને ત્રણ વર્ષની કેદ તથા રૂા. 1,000 દંડ ઉપરાંત સ્ત્રી અત્યાચારની કલમ મુજબ છ માસની કેદ તથા રૂા. 500 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.