જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી આઠ દુકાનોમાંથી ખાદ્ય પદાર્થના નમૂના મેળવી લેબ્રોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતાં તેમજ 19 હોટલ અને નાસ્તાની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
શ્રાવણ માસના પ્રારંભથી તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે અને એક પછી એક તહેવારો આવતા હોય જેને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી દ્વારા ફૂડશાખાની અપાયેલી સૂચના મુજબ ફૂડશાખાના અધિકારીઓ દ્વારા જામનગર શહેરના પંચેશ્ર્વરટાવર, ખોડિયાર કોલોની, સત્યમ કોલોની, બેડી બંદર રોડ, કિસાન ચોક, નાગનાથ ગેઈટ જેવા વિસ્તારોમાં ચેકીંગ દરમિયાન બેડી બંદર રોડ પરની જય ભવાની ડેરી ફાર્મમાંથી મિકસ દૂધ (લૂઝ), પંચેશ્ર્વરટાવર પાસેની શ્રી રવરાઈ ડેરી અને કલ્યાણી ડેરીમાંથી મિકસ દૂધ (લૂઝ), ખોડિયાર કોલોનીમાં શાહ ડેરીમાંથી ભેંસનું લૂઝ દૂધ, સત્યમ કોલોની રોડ પરની રાધે ડેરી ફાર્મમાંથી ગાયનું લૂઝ દૂધ, નાગનાથ ગેઈટ પાસેથી એસ.કે. ફેમેલી રેસ્ટોરન્ટમાંથી ચિકન અંગારા અને ચિકન મસાલાના સેમ્પલો મેળવી પરીક્ષણ માટે વડોદરાની લેબ્રોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે.
તેમજ જી. જી. હોસ્પિટલ સામે રાજ ટી સ્ટોલ, ભૂતનાથ વડાપાઉં, મુકેશ ટી સ્ટોલ, સુરેશ પરોઠા હાઉસ અને અંબર સિનેમા રોડ પરના વિલિયમ્સ ઝોન્સ, ધ ડી પીઝા, યમ્મીસ તથા ત્રણ બતી પાસે બ્રહ્મણીયા રેસ્ટોરન્ટ, ગોર ફરસાણ, રાજપુતાના લોજ અને બેડી ગેઈટ પાસે કાફે પેરાડાઈઝ, જેન્તીલાલ માવાવાલા, ઉમિયાજી ભજિયા નાગનાથ ગેઈટ પાસેના પટેલ રેસ્ટોરન્ટ, એસ.કે. રેસ્ટોન્ટ, તાજ હોટલ, સુરેશ ફરસાણ એન્ડ સ્વીટ તથા બેડી બંદર રોડ પરના સાંઈ ફાસ્ટફૂડમાં ચેકીંગ દરમિયાન સ્વચ્છતા જાળવવી અને ખોરાક ઢાંકીને રાખવો તથા વાસી ખોરાક ન રાખવો અને પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ ન કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી.
ચેકીંગ દરમિયાન વીલીયમ્સ ઝોન્સ પીઝામાંથી ત્રણ કિલો નૂડલ, સાત કિલો પાસ્તા, બે કિલો બાફેલા બટાટા વાંસી મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો તેમજ અંબર સીનેમા રોડ પરના ધ ડી પીઝામાંથી ત્રણ કિલો નૂડલ, બે કિલો બાફેલા બટાટા, સાત કિલો મન્ચ્યુરિયન, એક કિલો વાસી ભાત મળી આવતા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હોવાનું ફુડ સેફટી ઓફિસરે જણાવ્યું હતું.