રાજય સરકાર દ્વારા જામનગર મહાપાલિકાની વધુ એક ટીપી સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. છેલ્લાં એક વર્ષમાં જામનગર મહાપાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલી ચારે ચાર ટીપી સ્કીમને મંજૂરી મળી ગઇ છે. અગાઉ જામ્યુકોની ટીપી સ્કીમ નંબર 11,20 અને 21ને મંજૂરી આપવામાં આવી હતી. જયારે આજે બાકી રહેલી ટીપી સ્કીમ નંબર 23ને પણ રાજય સરકારે મંજૂરી આપી દેતા જામનગર શહેરના પેરી-ફેરીના વિસ્તારમાં વિકાસનો માર્ગ મોકળો બનશે આ ટીપી સ્કીમ અંતર્ગત જામનગર મહાપાલિકાને કુલ 26.78 હેકટર જમીન ઉપલબ્ધ થશે.
જામનગર શહેરના લાંબા સમયથી અટકી પડેલાં વિકાસને વેગ આપવા માટે મહાપાલિકા દ્વારા ટીપી સ્કીમ નંબર 11,20,21 અને 23ને મંજૂરી માટે રાજય સરકારમાં રજૂ કરવામાં આવી હતી. જે પૈકી ટીપી સ્કીમ નંબર 11ને માર્ચ, 2022 જયારે ટીપી સ્કીમ નંબર 20 અને 21ને મે,2022માં મંજૂરી આપ્યા બાદ રાજય સરકારે આજે ટીપી સ્કીમ નંબર 23 ને પણ લીલી ઝંડી આપી દીધી છે. આ સ્કીમમાં કુલ 141.10 હેકટર ક્ષેત્રફળનો સમાવેશ થાય છે. જયારે કાલાવડ રોડ બાયપાસ ચોકડી, જેસીઆર સિનેમા પાછળથી શરૂ કરી લાલપુર બાયપાસ તરફ આવતાં દેવાંગ પેટ્રોલપંપ સુધીનો વિસ્તાર તથા જામનગર તરફ આવતાં ઠેબા ચોકડીથી શરૂ કરીને જેએમસી ઇએસઆર સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે. જુદાં જુદાં જાહેર હેતુ અને વેચાણના હેતુ માટે જામનગર મહાપાલિકાને આ સ્કીમ અંતર્ગત 26.78 હેકટર જમીન ઉપલબ્ધ થશે. જયારે આ વિસ્તારમાં સાડા સાત મીટરથી માંડીને 75 મીટર સુધીની પહોંળાઇ સુધીના રસ્તાઓ ઉપલબ્ધ થશે. આ સ્કીમ તૈયાર કરવા અને તેને મંજૂરી મેળવવા માટે મ્યૂ.કમિશનર વિજય ખરાડી, સીટી ઇજનેર ભાવેશ જાની, ટીપી વિભાગના નાયબ ઇજનેર મુકેશ ગોસાઇ તથા તેમની ટીમે જહેમત ઉઠાવી છે.