કોમનવેલ્થ ગેમ્સમાં રવિવારે ભારતીય વેઇટલિફટર્સના અપ્રતિમ પર્ફોર્મન્સે લોકોના દિલ જીતી લીધા હતા. આ દિવસે વેઇટલિફ્ટિંગની ત્રણ ઇવેન્ટ થઈ હતી અને તેમાંથી ભારતને બે ગોલ્ડ મેડલ મળ્યાં હતા. આ સાથે જ ભારતને અત્યાર સુધીમાં કુલ 6 મેડલ મળ્યાં છે અને આ બધા જ વેઇટલિફ્ટિંગમાં આવ્યા છે. 67 કિલોની પુરુષ કેટેગરીમાં જેરેમી લાલરિનુંગાએ અફલાતૂન પર્ફોર્મન્સથી પહેલો મેડલ જીત્યો હતો. ત્યારબાદ મોડી રાતે અચિંતા શેઉલીએ 73 કિલોની કેટેગરીમાં દેશને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આમ, ભારતે અત્યાર સુધીમાં 3 ગોલ્ડ મેડલ સહિત કુલ 6 મેડલ જીત્યા છે. આ બધા જ મેડલ વેઇટલિફ્ટિંગમાં મળ્યાં છે.
અચિંતા શેઉલીએ સ્નૈચ રાઉન્ડ અવ્વલ રહીને પૂરો કર્યો. તેમણે પહેલા પ્રયત્ને 137 કિલો, બીજા પ્રયત્ને 140 કિલો અને ત્રીજા પ્રયત્ને 143 કિલો વજન ઉપાડ્યું હતું. ત્યારબાદ ક્લિન એન્ડ જર્ક રાઉન્ડમાં અચિંતાએ પ્રથમ પ્રયત્ને 166 કિલો વજન ઉંચક્યું હતું. આ પછી બીજા પ્રયત્ને 170 કિલો વજન ઉંચકવાનો પ્રયાસ કર્યો હતો, પણ ઉંચકી શક્યા નહોતા. ત્યારે ત્રીજા પ્રયાસમાં તેમણે 170 કિલો વજન ઉંચક્યું હતું. અચિંતાએ સ્નૈચ રાઉન્ડમાં 143 કિલો અને ક્લિન એન્ડ જર્ક રાઉન્ડમાં 170 કિલો વજન ઉંચકી કુલ 313 કિલો વજન ઉંચક્યું હતું.
19 વર્ષીય વેઇટલિફ્ટર જેરેમી લાલરિનુંગાએ સ્પર્ધા દરમિયાન ઇજાગ્રસ્ત થયો હોવા છતાં હાર માની નહોતી અને 67 કિલોની પુરુષ કેટેગરીમાં સોનેરી સફળતા મેળવી હતી. તેમણે સ્નૈચમાં 140 કિલો અને ક્લિન એન્ડ જર્કમાં 160 કિલો વજન ઉંચક્યું હતું. આમ, તેમણે કુલ 300 કિલો વજન ઉંચક્યું હતું અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. સમોઆના વાઇવાપા આઇઓને 263 કિલો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. મિઝોરના જેરેમીએ સ્નૈચના પ્રથમ પ્રયત્ને 136 કિલો વજન ઉંચક્યું હતું અને ગોલ્ડ મેડલ જીતવાની એકદમ નજીક આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે 140 કિલો વજન ઉંચકીને ગેમ્સ રેકોર્ડ બનાવવાની સાથે પ્રથમ જગ્યા પર દાવેદારી મજબૂત કરી દીધી હતી. છેલ્લે જેરેમીએ ત્રીજા પ્રયત્ને 143 કિલો વજન ઉંચકવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમને સફલતા મળી નહોતી.
ભારતીય વેઇટલિફ્ટરે ક્લિન એન્ડ જર્કના પહેલા પ્રયત્ને 154 કિલો અને બીજા પ્રયત્ને 160 કિલો વજન ઉંચક્યો હતો. ત્રીજા પ્રયત્નમાં તેમણે 164 કિલો વજન ઉંચકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમને સફળતા મળી નહોતી. જો કે, તે છતાં જેરેમીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ક્લિન એન્ડ જર્કમાં પ્રથમ પ્રયત્ન દરમિયાન તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. છતાં જેરેમી વધુ બે વખત લિફ્ટિંગ કરવા માટે આવ્યા હતા.