કેન્દ્ર સરકારે રાંધણ ગેસ સિલીન્ડરમાં ભાવઘટાડો જાહેર કર્યો છે તો બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છના ગ્રાહકોને વીજ દરમાં વધારા પેટે નવો ડામ લાગ્યો છે. ફ્યુઅલ સરચાર્જમાં 79 પૈસાનો વધારો કરવાની દરખાસ્ત વચ્ચે વીજ કંપની દ્વારા 10 પૈસાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જેને પગલે સૌરાષ્ટ્ર-કચ્છનાં ગ્રાહકો પર નવો 50 કરોડનો બોજ આવી શકે છે. વીજ કંપનીના સુત્રોએ જણાવ્યું હતું કે તાજેતરનાં વીજ સંકટ દરમિયાન મોંઘાભાવની વીજળી ખરીદ કરવાની ફરજ પડી હતી અને તેને કારણે ફ્યુઅલ સરચાર્જ વધારો માંગવામાં આવ્યો છે. ગુજરાત વીજ નિયમન પંચ સમક્ષ 79 પૈસાનો ફ્યુઅલ ચાર્જમાં વધારાની દરખાસ્ત કરવામાં આવી છે. જો કે તેનો નિર્ણય આવે ત્યારબાદ વધારો લાગુ થશે.
વીજ વિતરણ કંપનીઓને 10 પૈસાનો વધારો કરવાની સત્તા છે અને પીજીવીસીએલ દ્વારા 1 જુલાઈથી જ 10 પૈસાનો વધારો લાગુ પાડી દીધો છે. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર એમ ત્રણ મહિના માટે આ વધારો ઝીંકવામાં આવ્યો છે અને તે સાથે યુનિટદીઠ સરચાર્જ રુા. 2.50થી વધીને રુા. 2.60 થયો છે. વીજ નિયમન પંચ દ્વારા 79 પૈસાના વધારાની દરખાસ્ત મંજૂર કરવામાં આવે તો ફ્યુઅલ ચાર્જ યુનિટ દીઠ 3.29 થઇ જશે. સુત્રોના કહેવા પ્રમાણે ફ્યુઅલ ચાર્જમાં 10 પૈસાના વધારાને કારણે પણ સૌરાષ્ટ્ર-કચ્છના 58 લાખ વીજ ગ્રાહકો પર 50 કરોડનો બોજ પડી જશે. વીજ નિયમન પંચ વધુ વધારો મંજૂર કરે તો વીજ ગ્રાહકો પર તેનાથી પણ વધુ મોટો બોજ આવી જશે. દેશનાં અનેક રાજ્યોમાં તાજેતરમાં ઉનાળા દરમિયાન વીજ સંકટ સર્જાયુ હતું.ગુજરાત પણ તેમાંથી બાકાત રહી શક્યું ન હતું અને વખતોવખત એનર્જી એક્સચેન્જમાંથી મોંઘા ભાવની વીજળી ખરીદવાની ફરજ પડી હતી હવે તેનો ડામ ગ્રાહકો પર લાદવાનું શરુ થયું હોવાનું મનાય છે.