જામનગર શહેરમાં આવેલ ઓમ ટ્રેનીંગ સેન્ટર શાળામાં મંદબુધ્ધિના બાળકોને શિક્ષણ સાથે અલગ-અલગ તાલીમો નિઃશુલ્ક આપવામાં આવી રહી છે અને બાળકોના વિકાસ માટે અલગ-અલગ કાર્યક્રમો શાળા દ્વારા કરવામાં આવતા હોય છે. ત્યારે બાળકોમાં રહેલી કલાના હુન્નરને બહાર લાવવા શાળા દ્વારા રક્ષાબંધન તહેવાર નજીકના દિવસોમાં આવી રહયો હોવાથી અલગ-અલગ પ્રકારની રાખડીઓ બાળકો દ્વારા બનાવવામાં આવી રહી છે. મંદબુધ્ધિના બાળકો સમાજમાં સારૂ એવું સ્થાન પામે તેવા પ્રયાસો શાળાના સંચાલક ડિમ્પલબેન મહેતા દ્વારા કરવામાં આવી રહયા છે.
રક્ષાબંધન તહેવાર નજીકના દિવસોમાં આવી રહયો છે ત્યારે જામનગરમાં 80 ફુટ રેાડ, મેહુલનગર ટેલીફેાન એક્ષચેન્જ સામે આવેલ ઓમ ટ્રેનિંગ સેન્ટર શાળાના 50 દિવ્યાંગ બાળકો પોતાના હાથે અવનવી રાખડીઓ બનાવી પોતાની કલા પાથરવા ઉત્સુકતા દેખાડી રહયા છે. દર વર્ષે શાળા દ્વારા રાખડીઓ બનાવવામાં આવતી હોય છે.
આ વર્ષે શાળા દ્વારા અંદાજીત 3 હજારથી ઉપર રાખડી બનાવવાનું કાર્ય હાથ ધરાયું છે. આ રાખડી શાળાના બાળકો, વાલીઓ તથા શાળાના સ્ટાફ સહિત શહેરીજનો માટે બનાવવામાં આવી છે. દરવર્ષે રાખડીઓમાંથી મળેલી રકમ બાળકોના લાભાર્થે સંસ્થાના ડિમ્પલબેન દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે શહેરીજનોને આ કાર્યમાં જોડાવવા અનુરોધ કરાયો છે.