ગુજરાત રાજ્યમાં શ્રાવણ માસની શરુઆત થવાની ઘડીઓ ગણાઇ રહી છે. ત્યારે જામનગર શહેરમાં મંદિરોમાં શ્રાવણ માસ દરમિયાનની ઉજવણીની તૈયારી શરુ કરી દેવામાં આવી છે. ત્યારે જામનગરમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવે તેમ જામનગર હિન્દુ સેનાએ જામનગર મહાનગરપાલિકાના કમિશનર, મેયર અને સ્ટે. ચેરમેનને લેખિતમાં રજૂઆત કરી છે.
રાજ્યમાં શ્રાવણ માસની શરુઆત થવાની તૈયારીમાં છે. ભક્તજનોમાં અનેરો આનંદ છવાયેલો જણાય છે. શિવમય બનેલા ભક્તો ઉત્સુકતાપૂર્વક શ્રાવણ માસની રાહમાં છે. આ સમયે છોટીકાશી કહેવાતા જામનગરના મંદિરોને એકવિધ રીતે સુશોભન થવાની શરુઆત થઇ ગઇ છે. એટલું જ નહીં હિન્દુ ભક્તોમાં મહાદેવની ભક્તિ પ્રત્યેનો અનોખો થનગનાટ શરુ થઇ ગયો છે. આવા સમયે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તોમાં શુધ્ધતા જળવાઇ અને મંદિરોની પવિત્રતા જળવાઇ રહે તથા ભક્તજનોમાં આક્રોશ ન ફેલાય તે માટે શ્રાવણ માસ દરમિયાન નોનવેજના વેચાણ પર પ્રતિબંધ લાદવા હિન્દુ ભક્તોની લાગણીને ધ્યાને લઇ હિન્દુસેનાએ માગણી કરી છે. રાજકોટમાં ધાર્મિક તહેવાર તેમજ શ્રાવણ માસ દરમિયાન નોનવેજના વેચાણ પર પ્રતિબંધ લાવતું જાહેરનામુ બહાર પાડવામાં આવે છે. તો જામનગરમાં પણ શ્રાવણ માસ દરમિયાન નોનવેજ પર પ્રતિબંધ લાવવા મ્યુ. કમિશનર જાહેરનામુ બહાર પાડે તેમ હિન્દુ સેનાના ઉપપ્રમુખ ધીરેન નંદાએ કમિશનર વિજયકુમાર ખરાડી, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. ચેરમેનને લેખિતમાં પત્ર લખી રજૂઆત કરી છે.