જામનગર શહેરમાં લમ્પી વાયરસનો હાહાકાર મચી ગયો છે. દરરોજ અસંખ્ય ગાયો આ વાયરસનો ભોગ બને છે. મંગળવારે 50 થી વધુ ગાયોનો ભોગ લેવાયો હતો તેમજ આજે સવારે પણ ચાંદીબજાર વિસ્તારમાં ત્રણ ગાયો આ રોગમાં સપડાયેલી મળી આવતા એનિમલ હેલ્પલાઈનની ટીમ દ્વારા રસીકરણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મામલે વોર્ડ નં.4 ના કોંગ્રેસના કોર્પોરેટર ત્રણ દિવસ સુધી ધરણાં કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કરશે.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં લમ્પી વાયરસને કારણે ગાયો ટપોટપ મરે છે. આ વાયરસની વેકસીન આપવામાં આવતી નથી તેમજ અવાર-નવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કુંભકર્ણની નિંદ્રામાં રહેલું તંત્ર બેદરકાર બની ગયું છે. આ લમ્પી વાયરસને કારણે મંગળવારે જામનગર શહેરમાં 55 ગાયોના ભોગ લેવાયા છે તેમજ આજે સવારે ચાંદીબજાર વિસ્તારમાં ત્રણ ગાયો લમ્પી વાયરસમાં સપડાયેલી મળી આવી હતી અને આ ગાયોને એનિમલ હેલ્પલાઈનની ટીમ દ્વારા રસીકરણ કરવામાં આવ્યું હતું. શહેરમાં દરરોજ 30 થી 35 જેટલી ગાયોમાં આ વાયરસ જોવા મળે છે. જો કે, વોર્ડ નં.4 ના કોર્પોેરેટર રચના નંદાણિયા દ્વારા અવાર-નવાર આ મામલે લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં વહીવટી તંત્ર ગંભીરતા દાખવતું નથી.
કોર્પોરેટર દ્વારા લમ્પી રોગના કારણે થતાં ગાયોના મોત સંદર્ભે આવતીકાલથી ત્રણ દિવસ સુધી ધરણાં યોજવામાં આવશે. જેમાં ગુરૂવારે સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી કમિશનર વિજય ખરાડીની ચેમ્બર સામે પ્રતિક ધરણાં કરશે. તેમજ તા.29 ના શુક્રવારે મહાનગર પાલિકાના આઈસીડીએસ અધિકારી હર્ષાબેન જેઠવા દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવા છતાં તેના વિરૂધ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી અને જનરલ બોર્ડમાં લેખિત રજૂઆતો છતાં કોઇ પગલાં લેવામાં આવતા નથી. જેથી કોર્પોરેટર શુક્રવારે આઈસીડીએસ અધિકારીના વિરોધમાં કમિશનર ચેમ્બર સામે ધરણાં કરશે તથા શનિવારે તા.30 ના રોજ સવારે 11 થી સાંજના 5 સુધી મહાનગરપાલિકાના વોર્ડ નં.4 માં આવતાં હાથણી, નવાનાગના જેવા નગરસીમના વિસ્તારોમાં પ્રાથમિક જરૂરિયાતો રોડ-રસ્તા-લાઈટ કે પાણી જેવી સુવિધા ન હોવાથી આ સુવિધાઓ તાત્કાલિક ધોરણે લોકો સુધી પહોંચાડવા ધરણાં કરશે તેમ જણાવ્યું હતું.