જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતાં પ્રૌઢને પાડોશી સાથે કોઇ બાબતે મનદુ:ખ અને ઝઘડો થયો હતો. જે સંદર્ભે પોલીસમાં કરેલી અરજીમાં સમાધાન ન થતા પ્રૌઢે ત્રણ શખ્સોના ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં આવેલા વલ્લભનગરમાં રહેતાં ભગવાનજીભાઈ પ્રાગજીભાઈ સોલંકી (ઉ.વ.52) નામના પ્રૌઢને તેમના પાડોશી સંજય મકવાણા સાથે ઉઠવા બેસવાનો વ્યવહાર હતો અને તે દરમિયાન બન્ને વચ્ચે થયેલા ઝઘડામાં પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી સંદર્ભે સમાધાન માટેની બેઠક થઈ હતી પરંતુ સમાધાન થયું ન હતું અને બન્ને વચ્ચે ઝઘડો ચાલતો હતો દરમિયાન પ્રૌઢ તેના બહેનના ઘરે જતાં રહ્યાં હતાં. ત્યાં શનિવારે બપોરના સમયે રૂમના પંખામાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર દ્વારા જાણ કરાતા પોલીસે તપાસ આરંભી હતી.
તેમજ મૃતકના પુત્ર દ્વારા કરણ મકવાણા, સંજય મકવાણા, નાથા મકવાણા નામના ત્રણ શખ્સોને તેના પિતા ભગવાનજીભાઈ સાથે અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી અવાર-નવાર ફોન પર તેમજ રૂબરૂ ધમકી આપતા હતાં અને સમાધાનના બહાને બોલાવી ફરી વખત માથાકૂટ કરી હુમલો કરતાં વિશાલ અને તેના પિતા ભગવાનજીભાઈ બન્ને ડરીને ભાગી ગયા હતાં. ત્રણ શખ્સો દ્વારા અપાતા અવાર-નવારના ત્રાસ અને ધાક-ધમકીથી મરી જવા મજબુર કર્યાની વિશાલે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પીએસઆઈ આઈ.આઇ. નોયડા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ મરી જવા મજબુર કર્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.