જામનગર શહેરમાં શંકરટેકરી પાણીના ટાંકા પાસેથી સીટી-સી પોલીસે ઇકો કારમાંથી એક શખ્સને રૂા.15,600ની કિંમતના 780 લીટર દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઇ ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં શંકરટેકરી પાણીના ટાંકા પાસે વહેલી સવારે ઇકોકારમાં દેશી દારૂની હેરાફેરી થતી હોવાની સીટી-સીના પોકો.ખીમશીભાઇ ડાંગર તથા પોકો.વિજયભાઇ કાનાણીને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.ઝાલાની સુચના અને માર્ગદર્શન હેઠળ પીઆઇ કે.એલ.ગાધે, પીએસઆઇ આર.ડી.ગોહિલ, હેકો ફેજલ ચાવડા, પ્રદિપસિંહ જાડેજા, જાવેદભાઈ વજગોળ, મહેન્દ્રસિંહ ચુડાસમા, પો.કો. ખીમશીભાઇ ડાંગર, વિજયભાઈ કાનાણી, હિતેન્દ્રસિંહ જાડેજા, રવિ શર્મા સહિતના સ્ટાફ દ્વારા શંકરટેકરી પાણીના ટાંકા પાસેના વિસ્તારમાં વોચમાં હતાં તે દરમ્યાન જીજે.10.સીએન.1170 નંબરની ઇકો ગાડી નિકળતાં તેને રોકી તપાસ કરતાં તેમાંથી રૂા.15,600ની કિંમતનો 780 લીટર દેશી દારૂ ભરેલ 13 બાચકા મળી આવતાં દેશીદારૂ તેમજ રૂા.5000ની કિંમતનો મોબાઇલફોન, રૂા.3,00,000ની કિંમતની ઇકો કાર મળી કુલ રૂા.3,20,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસ દ્વારા યોગેન્દ્રસિંહ ઉર્ફે યોગીરાજસિંહ વેરૂભા જાડેજા નામના શખ્સની મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી અને રબારી, સુરીયો કોળી, સુધીરસિંહ નટુભા ચુડાસમા નામના ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.