ભારતીય રેલવે તરફથી એક નિરાશા જનક સમાચાર મળી રહ્યા છે. રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે લોકસભામાં કહ્યા કે, વૃદ્ધ મુસાફરો અને ખેલાડીઓને ભાડામાં આપવામાં આવતું ડિસ્કાઉન્ટ હવે મળશે નહિ. તેમણે કહ્યું કે મોટાભાગની શ્રેણીઓમાં ભાડા પહેલાથી જ ખૂબ ઓછા છે. રેલ્વે મંત્રીના જણાવ્યા અનુસાર, સરકાર હજુ પણ ભાડાના 50 ખર્ચ ભોગવે છે. તેમણે કહ્યું કે વૃદ્ધોને આપવામાં આવેલી છૂટને કારણે રેલવેએ વર્ષ 2019-20માં 1667 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ ઉઠાવવો પડ્યો હતો. તેવી જ રીતે, વૃદ્ધોને આપવામાં આવેલી છૂટને કારણે 2018-19માં 1636 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ ઉઠાવવો પડ્યો હતો.
તમને જણાવી દઈએ કે કોવિડ-19 પહેલા 60 વર્ષથી વધુ ઉંમરના લોકો એટલે કે વરિષ્ઠ નાગરિકોને રેલ ટિકિટ પર 50% ડિસ્કાઉન્ટ મળતું હતું. પરંતુ જયારે કોરોના સમયગાળા દરમિયાન ટ્રેન સેવા બંધ કરવામાં આવી હતી, ત્યારે આ છૂટ નાબૂદ કરવામાં આવી હતી. જો કે, જયારે ટ્રેન સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવી હતી, ત્યારે આ મુક્તિ પુન:સ્થાપિત કરવામાં આવી ન હતી. એટલું જ નહીં, ભવિષ્યમાં પણ વરિષ્ઠ નાગરિકોને ભાડામાં રાહત આપવાનો સરકારનો કોઈ ઈરાદો નથી.
રેલવે પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવે સંસદમાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે વરિષ્ઠ નાગરિકોને ભાડામાં રાહત આપવાથી સરકારની તિજોરી પર મોટો બોજ પડે છે. તેથી તેને પુન:સ્થાપિત કરવાની કોઈ યોજના નથી. ભાડામાં રાહતની સુવિધા માત્ર વિશેષ વર્ગના લોકો માટે જ ફરી શરૂ કરવામાં આવી છે. જેમાં વિકલાંગોની ચાર શ્રેણીઓ, દર્દીઓની 11 શ્રેણીઓ અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે રેલ્વેએ તાજેતરમાં પ્રીમિયમ ટ્રેનોમાં કેટરિંગ સેવાને લઈને તેના દરોમાં કેટલાક ફેરફારો કર્યા છે. નવા નિયમો અનુસાર હવે જો તમે એડવાન્સમાં બુકિંગ નહીં કરાવો તો ટ્રેનોમાં ભોજન મોંઘું થશે. તમારે 50 રૂપિયાનો વધારાનો સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. જો કે ચા પર આપ્રકારનો એક્સટ્રા ચાર્જ વસુલવામાં આવશે નહિ. રેલ્વેએ પ્રીમિયમ ટ્રેનોમાં પ્રી-ઓર્ડર ન કરાયેલા તમામ ખાદ્યપદાર્થો અને પીણાઓ પરના ઓન-બોર્ડ સર્વિસ ચાર્જને માફ કરી દીધા છે. જોકે, નાસ્તા, લંચ કે ડિનરના ભાવમાં 50 રૂપિયાનો ચાર્જ ઉમેરવામાં આવ્યો છે.