દ્વારકા પંથકમાં જેટકોના કોન્ટ્રાક્ટર દ્વારા વીજ ટાવર પરથી કિંમતી વીજ વાયર કાપીને ચોરી કરી જવા સબબ અજાણ્યા શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ પ્રકરણ અંગે કોન્ટ્રાક્ટર કંપનીના કર્મચારી ભૂપતસિંહ પ્રતાપસિંહ બારડતી નામના 46 વર્ષ ગુર્જર રાજપુત યુવાન દ્વારા દ્વારકા પોલીસ મથકમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકાથી આશરે 8 કિલોમીટર દૂર નાગેશ્વર રોડ પર જેટકો દ્વારા તેમને મળેલા કોન્ટ્રાક્ટ કામમાં આ ગામની ગૌશાળાથી ધ્રાસણવેલ ગામ સુધી 66 કે.વી. ઈલેક્ટ્રીક પાવર તથા ઇલેક્ટ્રીક સાધનો ફીટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સ્થાનિક ખેડૂતો દ્વારા કરવામાં આવેલા વિરોધ બાદ તેમના દ્વારા કામગીરી બંધ કરી દેવામાં આવી હતી.
આ પછી ગત તારીખ 6 થી તા. 16 જુલાઈ સુધીના સમય ગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ આ સ્થળે સંમતિ વગર આવી, વીજ ટાવર પોલ ઉપરથી ઈલેક્ટ્રીક વાયર તથા વિવિધ ચીજ વસ્તુઓ કાપીને ચોરી કરીને લઈ ગયા હતા. આમ કુલ રૂા.3,52,341ના મુદ્દામાલની ચોરી થવા સબબ દ્વારકા પોલીસે વિવિધ કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પીઆઈ પી.એ. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.