જામનગરમાં નેગોશિએબલ ઈન્સ્ટુમેન્ટ એકટ અંગેની બે સ્પેશિયલ કોર્ટો ચાલી રહી છે. આ કોર્ટ દ્વારા ચેક રિટર્નના કેસોનો તાત્કાલિક નિકાલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે અને કોર્ટ દ્વારા ઘણાં આરોપીઓને સજા કરવામાં આવે છે અને ખાસ કરીને આરોપીઓ હાજર ન હોય અને તે વખતે કેસનું જજમેન્ટ આપવામાં આવે ત્યારે સજાના વોરન્ટો પોલીસ મારફત બજાવવા મોકલવામાં આવે છે. પરંતુ આ પ્રકારની સજાના વોરંટોની બજવણી થતી નથી. જેના કારણે આરોપીઓ નિષફીકર બની રહે છે અને સજા પામતા નથી. જેથી ફરિયાદી પક્ષને ન્યાય મળતો નથી.
સરકાર અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં જે સતર્કતા દર્શાવવામાં આવે છે અને કોર્ટ દ્વારા કરવામાં આવેલા હુકમો માત્ર કાગળ ઉપર જ રહી જાય છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને બાર એસોસિએશન પ્રમુખ ભરત સુવા, ઉપપ્રમુખ અશોક જોશી સહિતના હોદ્ેદારો દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુને આ વોરંટોની બજવણી પેરોલ ફર્લો સ્કવોર્ડને સોંપી અને તાત્કાલિક બજવણી થાય તે મુજબની વ્યવસ્થા કરવા વિનંતી કરવામાં આવી હતી.