ભારતના વિકેટકીપર બેટ્સમેન રિશભ પંતે અણીના સમયે ઈંગ્લેન્ડ સામે તેની વન-ડે કારકિર્દીની પ્રથમ સદી ફટકારતા તેમજ હાર્દિક પંડ્યાના પ્રથમ બોલિંગ અને ત્યારબાદ બેટિંગમાં શાનદાર દેખાવના સહારે ભારતે ઈંગ્લેન્ડ સામે ત્રીજી વન-ડેમાં પાંચ વિકેટે જીત મેળવી હતી. આ સાથે જ ભારતે ટી20 બાદ વન-ડે સિરીઝ પણ 2-1થી પોતાના નામે કરી હતી. ભારતનો ઈંગ્લેન્ડ સામે આઠ વર્ષ પછી આ પ્રથમ શ્રેણી વિજય રહ્યો છે. ભારતે શ્રેણીની પ્રથમ મેચ 10 વિકેટે જીતી હતી જ્યારે બીજી વન-ડેમાં ઈંગ્લેન્ડનો 100 રને વિજય થયો હતો. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં રવિવારે નિર્ણાયક વન-ડેમાં ભારતે ઈંગ્લેન્ડને પાંચ વિકેટ હરાવતા શ્રેણી પર કબજો કર્યો હતો. રિશભ પંતે અણનમ 125 રનની ઈનિંગ રમી હતી જ્યારે હાર્દિક પંડ્યાએ 24 રન આપીને ચાર વિકેટ મેળવી હતી અને બાદમાં 71 રન ફટકારતા ભારતને જીત તરફ દોરી ગયા હતા.
ઈંગ્લેન્ડની ટીમ વધુ એક વખત પુરી 50 ઓવર રમી શકી નહતી અને 45.5 ઓવરમાં 259 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ભારતે મજબૂત મજબૂત પ્રદર્શન કરતા 42.1 ઓવરમાં ફક્ત પાંચ વિકેટ ગુમાવીને 261 રન કરી લક્ષ્યાંક પાર કરી લીધો હતો. 260 રનના લક્ષ્યાંકને પાર કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી. કેપ્ટન રોહિત શર્મા (17) અને શિખર ધવન (1) મજબૂત શરૂઆત અપાવી શક્યા નહતા. બીજી વન-ડેના ઈંગ્લેન્ડના હીરો એવા રીસ ટોપ્લીએ વધુ એક વખત ઘાતક બોલિંગ કરતા બન્ને ઓપનરને પેવેલિયન પરત મોકલ્યા હતા. વિરાટ કોહલીના કંગાળ ફોર્મનો સીલસીલો વધુ એક મેચમાં આગળ વધ્યો હતો. કોહલી 17 રન કરીને ટોપ્લીની ઓવરમાં બટલરના હાથે વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો.
ચોથા ક્રમે રિશભ પંત રમવા આવ્યો હતો અને તેણે એક છેડો સભાળ્યો હતો. સુર્યકુમાર યાદવ (16) આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 72 રન પર ચાર વિકેટ હતો. એક તબક્કે ભારતના હાથમાંથી મેચ સરકી રહી હતી ત્યારે અણીના સમયે પંતે તેની લાજવાબ બેટિંગનો પરચો ઈંગ્લિશ ખેલાડીઓને આપ્યો હતો અને વન-ડે કારકિર્દીની પ્રથમ સદી પૂર્ણ કરી હતી. પંત 113 બોલમાં 16 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 125 રન કરી નોટ આઉટ રહ્યો હતો. બીજા છેડે હાર્દિક પંડ્યાએ બોલિંગ બાદ બેટિંગમાં પોતાની કમાલની કુશળતાનું ઉદાહરણ પુરું પાડ્યું હતું. હાર્દિકે 55 બોલમાં 71 રન કર્યા હતા જેમાં 10 ચોગ્ગાનો સમાવેશ થાય છે. બન્ને વચ્ચેએ પાંચમી વિકેટ માટે 133 રનની ભાગીદારી નોંધાવી હતી.
પંતે બાઉન્ડ્રી ફટકારીને ભારતને જીતાડ્યું હતું અને ઈંગ્લેન્ડની જીતની બાજી હારમાં પલટી નાંખી હતી. રવિન્દ્ર જાડેજા સાત રન કરીને અણનમ રહ્યો હતો. ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. ઈંગ્લેન્ડના આઉટ ઓફ ફોર્મ બેટ્સમેન વધુ એક વખત ભારતીય પેસ એટેક સામે વામણા પુરવાર થયા હતા. જસપ્રીત બુમરાહને પીઠની ઈજા થતાં તેના સ્થાને સિરાજને પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી હતી. સિરાજે બેરસ્ટો અને રૂટને શૂન્ય રનમાં આઉટ કરીને તરખાટ મચાવ્યો હતો. ઓપનર જેસન રોયે 41 રન કર્યા હતા તેમજ કેપ્ટન જોશ બટલે 60 રનનું યોગદાન આપ્યું હતું.
મોઈન અલીએ 34 રન ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ અને રવિન્દ્ર જાડેજાએ મિડલ ઓર્ડરના બેટ્સમેનોને વધુ સમય ક્રીઝ પર ટકવા દીધા નહતા. હાર્દિક પંડ્યાએ ચાર વિકેટ ઝડપતાં સિરીઝમાં કુલ છ વિકેટ અને 100 રન કરતા તે પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો. ચહલે ત્રણ વિકેટ સિરાજે બે જ્યારે જાડેજાએ એક વિકેટ ઝડપી હતી.