જામનગરની ફલિયા હોસ્પિટલ, એસ.ટી રોડ નજીક એક અજાણી મહિલા છેલ્લા ત્રણ દિવસથી બેઠેલ હોય તેવી માહિતીના આધારે તા.14-07-2022ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવામાં આવેલ અને આ અજાણી મહિલા વિશેની પ્રાથમિક માહિતી જણાવેલ જેથી 181 અભયમ મહિલા હેલ્પલાઇને તાત્કાલિક સ્થળ પર જઈને આ મહિલાનો કબજો સંભાળી લીધો હતો. 181 હેલ્પલાઇનના કાઉન્સેલરના જણાવ્યા મુજબ આ બહેન પોતાના વિશે કોઈ યોગ્ય માહિતી આપવા અસમર્થ જણાતા મહિલાની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી તા.14-07-2022 ના રોજ સાંજે 7:13 કલાકે જામનગર સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય અપાવેલ.
સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથીયા દ્વારા મહિલા સાથે કાઉન્સેલિંગ કરતા મહિલા પોતાનું નામ પભીબેન ગોવિંદભાઈ બાંભોર જણાવેલ તેમજ પોતાના વિશે અન્ય માહિતી પુછતા તેઓ યોગ્ય જવાબ આપતા ન હોય તે મહિલાનું નિરીક્ષણ કરતા તેમની માનસિક સ્થિતિ અસ્વસ્થ જણાઈ આવેલ તેમના પરિવાર વિશે પુછતા પોતાની માતાનું નામ મીઠીબેન જણાવેલ અને લગ્નજીવન વિશે પુછતા લગ્ન થયેલ નથી એવું જણાવેલ અને પોતાના ઘરનું સરનામું પુછતા ગામ-દરેડ જણાવતા હોય આ તમામ હકીકત “સખી” વન સ્ટોપ સેન્ટરના નોડલ અધિકારી અને મહિલા અને બાળ અધિકારી ડો. ચંદ્રેશ ભાંભીને જણાવતા તેમની સૂચના અને માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક દ્વારા દરેડ પંચકોષી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી આ મહિલાનો ફોટો પંચકોષી-બી ડિવિઝન પોલીસને મોકલતા થોડી જ વારમાં પોલીસ દ્વારા જણાવવામાં આવેલ કે આ મહિલા કનસુમરા ગામના છે,તેથી જામનગર સખી વન સ્ટોપ સેન્ટરના દ્વારા કનસુમરાના સરપંચનો સંપર્ક સાધેલ. સરપંચ પાસેથી મહિલાના પિયરપક્ષનો સંપર્ક થયેલ અને તેમના ભાઈ સાથે ટેલીફોનીક વાતચીત કરતા જાણવા મળેલ કે મહિલાનું સાસરુ જામનગર ખાતે છે. તેથી સેન્ટર દ્વારા બહેનના સાસરીપક્ષનો સંપર્ક કરી આ મહિલા વિશે માહિતી આપેલ અને થોડી વારમાં જ આ મહિલાના સસરા, નણંદ અને ભાઈ સેન્ટર પર આવી પહોંચેલ. પરિવારજનો સાથે ચર્ચા કરતા જણાયેલ કે મહિલાની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ અવાર-નવાર ઘરેથી નીકળી જાય છે, તેમને સંતાનમાં ચાર બાળકો પણ છે અને માનસિક બીમારીની દવા પણ ચાલુ છે, પરંતુ તેઓ નિયમિત દવા લેતા ન હોવાથી આ સમસ્યા ઉભી થાય છે. તેથી બહેનને સમયસર દવા લેવા સમજાવેલ આ ઉપરાંત બહેનના પરિવારજનોને માનસિક આરોગ્યની હોસ્પિટલ વિશે માહિતગાર કરી રાત્રીના 09:30 કલાક સુધીમાં મહિલાનું પરિવાર સાથે મિલન કરાવી આપેલ. આમ વિવિધ વિભાગોની ત્વરિત કામગીરી, સંકલન અને સહકાર તથા સોશ્યલ મીડિયાના માધ્યમથી ગણતરીના કલાકોમાં જ ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પરિવારજનો સાથે પુન:મિલન કરાવવામાં કરી એકવાર સખી વન સ્ટોપ સેન્ટરની ટીમને સફળતા મળી હતી.