જામનગર શહેરમાં આંણદાબાવા ચકલવા પાસે આવેલાં શાંતિ ભુવન જૈન દેરાસરમાં ઘુસીને લુંટ ચલાવી ધમકી આપી દેરાસરની બહાર પડેલાં વાહનોમાં તોડફોડ કર્યાના બનાવમાં ઝડપાયેલા 6 શખ્સો પૈકીના બે શખ્સો દ્વારા કરાયેલી જામીન અરજી અહીંની સેસન્સ અદાલતે રદ કરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં આંણદાબાવા ચકલા વિસ્તારમાં આવેલા શ્રી વિશા ઓશવાળ શાંતિ ભુવન તપગજ જૈન દેરાસર મંદિરમાં બે સપ્તાહ પુર્વે વહેલી સવારના સમયે પ્રિતેશ ઉર્ફે પિન્ટુ ભરત રાજપરા, પ્રદિપસિંહ ઉર્ફે છોટીયો અજીતસિંહ વાધેલા, સંજય ઉર્ફે સંજલો અશોક બાહુકિયા, જયવીર દિપક ચૌહાણ, કિશનકુમાર ઉર્ફે કરણ ઉર્ફે ડાડો રાજેન્દ્ર નાયર અને નિર્મલ ઉર્ફે ત્રિકમ રમેશ પઢીયાર છ શખ્સોએ દેરાસરમાં અંદર ઘુસી જઇ સેવા પુજા કરતા લોકોને ડરાવી ધમકાવી એક ચાંદીનો કળશ, સાચા મોતીનો હાર અને સાચા મોતીનો પેડલ વારો હાર કુલ મળી રૂા.25,500ની કિંમતના આભુષણોની લુંટ ચલાવી હતી. તેમજ દેરાસરની બહાર આવેલા વાહનોના કાચ તોડી નાખ્યા હતાં. લુંટ આચરનાર છ શખ્સોને પીઆઇ એમ.જે.જલુ તથા સ્ટાફે ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધાં હતાં.
આ છ લુટારૂઓ પૈકીના જયવીર દિપક ચૌહાણ અને નિર્મલ ઉર્ફે ત્રિકમ રમેશ પઢીયારના એડવોકેટ દ્વારા જામનગરની સેસન્સ કોર્ટમાં કરાયેલી જામીન અરજી અદાલતે ફગાવી દીધી હતી.