ગુજરાત SITએ 2002નાં ગુજરાત રમખાણોને લઈને સોગંદનામામાં સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ વિરુદ્ધ મોટો ઘટસ્ફોટ કર્યો છે. SITનું કહેવું છે કે તિસ્તાને ગુજરાત સરકારને બદનામ કરવા માટે 2002માં કોંગ્રેસ પાસેથી ફંડ મળ્યું હતું. SIT એફિડેવિટ અનુસાર, કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલના આદેશ પર સેતલવાડને એક વખત 5 લાખ અને એકવાર 30 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. SITએ તેના એફિડેવિટમાં જણાવ્યું હતું કે તિસ્તા સાથે આ કાવતરૂં ઘડવામાં આરબી શ્રીકુમાર જે તે સમયે ગુજરાતના DGPહતા અને પૂર્વ IPS સંજીવ ભટ્ટ પણ સામેલ હતા. ગુજરાતના રમખાણો પછી આ લોકોએ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી રાજ્ય સરકારને અસ્થિર કરવાનું કાવતરૂં ઘડ્યું હતું. કોંગ્રેસે આ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છેે. સાથે જ અહેમદ પટેલની પુત્રીએ વળતા પ્રહાર કરતાં કહ્યું હતું કે મારા પિતા જીવતા હતા ત્યારે કાર્યવાહી કેમ ન કરવામાં આવી? વિપક્ષને બદનામ કરવા માટે આ કાવતરૂં ઘડવામાં આવી રહ્યું છે. SITના ખુલાસા બાદ ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું હતુ કે એફિડેવિટમાંથી સત્ય બહાર આવ્યું છે કે આ કાવતરૂં ઘડવા પાછળ કોણ લોકો હતા. સંબિત પાત્રાએ કહ્યું કે અહેમદ પટેલના ઈશારે તિસ્તા સેતલવાડ અને અન્યોએ ગુજરાત સરકારને અસ્થિર કરવાનું કાવતરૂં ઘડ્યું હતું. તેમણે કહ્યું કે અહેમદ પટેલ માત્ર નામ છે. ખરેખરમાં તો આ કાવતરા પાછળ તેમના બોસ સોનિયા ગાંધી હતા. સોનિયા ગાંધી તેમના મુખ્ય રાજકીય સલાહકાર અહેમદ પટેલ સાથે મળીને ગુજરાતની છબી ખરાબ કરવાના પ્રયાસ કર્યા હતા.