જામનગર તાલુકાના પસાયા બેરાજામાં ઘર પાસે પાણી ન આવવા માટે પાળો કરતી યુવતી ઉપર ત્રણ મહિલા સહિત ચાર શખ્સોએ અપશબ્દો બોલી ઢીકાપાટુનો અને લાકડી વડે માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના પસાયા ગામમાં રહેતાં રૈયાબેન ગોવિંદભાઇ પરમાર નામની યુવતી તેની બાજુમાં રહેતાં મુળજીભાઈના ઘરેથી આવતું પાણી રોકવા માટે પાળો બનાવતી હતી તે દરમિયાન અશોક મુળજી પરમાર, રંજનબેન મુળજી પરમાર, ક્રિષ્નાબેન મુળજી પરમાર, મનિષાબેન મુળજી પરમાર નામના ત્રણ મહિલા સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી રૈયાબેનના ઘર પાસે આવી ‘અહીં પાળો કેમ બનાવશ ?’ તેમ કહી અપશબ્દો બોલી ઢીકાપાટુનો અને લાકડી વડે માર માર્યો હતો તેમજ પાવડા વડે માથામાં ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવમાં ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે હેકો સી.ડી.જાટીયા તથા સ્ટાફે ત્રણ મહિલા સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.