જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે સપ્તાહથી મેઘસવારી અવિરત રહી હતી જેમાં છેલ્લાં 24 કલાક દરમિયાન જામવંથલી અને અલિયાબાડામાં દોઢ-દોઢ ઈંચ અને જામનગર તથા ધુતારપુરમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો.
રાજયમાં બે સપ્તાહથી અવિરત મેઘમહેર થઈ રહી છે. જેના કારણે અમુક જિલ્લાઓમાં તો અતિભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. આજે સવારે છ વાગ્યા સુધી પૂરા થતાં 24 કલાક દરમિયાન જામનગર તાલુકાના જામવંથલી અને અલીયાબાડા ગામમાં ધોધમાર દોઢ ઈંચ પાણી વરસ્યું હતું તેમજ જામનગર શહેરમાં મોટાભાગે વરસાદી વિરામ રહ્યો હતો પરંતુ વચ્ચે-વચ્ચે જોરજાર ઝાપટાંરૂપે એક ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. આ મેઘાવી માહોલ વચ્ચે ધુતારપુરમાં પણ એક ઈંચ પાણી પડયું હતું તથા અન્ય તાલુકા મથકોમાં વરસાદી વિરામ રહ્યો હતો અને તાલુકાકક્ષાના ગામોમાં ધ્રોલના જાલિયાદેવાણીમાં અડધો ઈંચ, જામજોધપુર તાલુકાના પરડવા તથા વાંસજાળિયામાં અડધો-અડધો ઇંચ વરસાદ પડયો હતો તેમજ ધુનડા, સમાણા અને ધ્રોલના લૈયારામાં સામાન્ય જાપટાં વરસ્યા હતાં.