ગુજરાત રાજ્યમાં જામનગર જિલ્લામાં તલાટી-કમ-મંત્રીની ઓછી સંખ્યા હોવા છતાં જિલ્લા વિકાસ અધિકારીની સકારાત્મક ભૂમિકાથી તલાટી-કમ-મંત્રી ઓછા મહેકમ છતાં ઉત્સાહથી કામ કરી સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા પ્રયાસ કરી રહ્યાં છે.
જામનગર જિલ્લામાં તલાટી-કમ-મંત્રીનું રાજ્યમાં સૌથી ઓછું મહેકમ 349ની સામે 157 તલાટી-કમ-મંત્રી હોય, 196ની ઘટ હોવાના કારણે એક-એક તલાટી-કમ-મંત્રી પાસે ત્રણ થી ચાર ગામના ચાર્જ છે. છતાં પણ જામનગર જિલ્લાના તલાટી-કમ-મંત્રીઓ નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યાં છે. ગ્રામજનોને મુશ્કેલી ના પડે તે માટે હાલમાં 12 કલાકથી વધુ સમય કામગીરી કરી રહ્યાં છે. તેમજ સરકારની કાર્ય કમિટી, આદિજાતિના દાખલા માટે સર્વે, રેવન્યુ ડિપાર્ટમેન્ટની સરકારની યોજના, ગંગા સ્વરુપ વિધવા સહાય, વૃધ્ધ પેન્શન સહાય, સમાજ સુરક્ષા યોજનાની વધારાની કામગીરી કરી માનવતાંનું કાર્ય કરી રહ્યાં છે.
જામનગર જિલ્લામાં ઓછા તલાટી હોવા છતાં સરકારની તમામ કામગીરી સતત ચાલી રહી છે. તેમજ જામનગર જિલ્લા તલાટી-કમ-મંત્રી મંડળના પ્રમુખ પરેશભાઇ પારગી દ્વારા પણ તલાટી-કમ-મંત્રીને ઓછા મહેકમની સામે ત્રિસ્તરીય પંચાયતી રાજમાં સંકલન કરી કામ કરવા તલાટી-કમ-મંત્રીઓને પ્રેરિત કરી ઉત્સાહ વધારી રહ્યાં છે. જેમાં જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલની સરાહનિય કામગીરી અને સહકારની ભાવનાથી જામનગર જિલ્લાના તલાટી-કમ-મંત્રીઓ અને અન્ય કર્મચારીઓ ગૌરવ અનુભવી રહ્યાં છે. તેમજ જિલ્લા-તાલુકા અને ગામડા સુધી સહકારની ભાવનાથી કામ કરી રહ્યાં હોય, જામનગર જિલ્લામાં સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી અને વિકાસની હરોળમાં અગ્રેસર રહે તેવા પ્રયાસો કરી રહ્યાં છે.