જામનગરમાં બાજરીયાફળી વિસ્તારમાં એક મકાન કે જેનો ઉપરનો હિસ્સો ખૂબ જ જર્જરીત બની ગયો હોવાથી મહાનગરપાલિકાની ટીમ દ્વારા ઉપરના હિસ્સાના ભાગે ડિમોલિશન હાથ ધરી લેવાયું છે, ઉપરાંત પંચેશ્વર ટાવર પાસે આવેલા એક જર્જરિત મકાનના રવેશનો હિસ્સો પણ તોડી પડાયો છે.
જામનગરના બાજરીયાફળી વિસ્તારમાં આવેલું એક જુનવાણી મકાન, કે જેના મકાન માલિક હાલ મુંબઈ રહે છે જ્યારે નીચે અન્ય ભાડુઆત રહે છે. જે ઉપરનો હિસ્સો ખૂબ જ જર્જરીત બની ગયો હોવાથી સ્થાનિક રહેવાસીઓ દ્વારા મહાનગરપાલિકા માં ફરિયાદ કરવામાં આવી હતી. જે ફરિયાદના અનુસંધાને આજે એસ્ટેટ શાખાની ટીમ બાજરીયાફળીમાં પહોંચી ગઈ હતી અને જર્જરિત મકાનના ઉપલા ભાગ નો હિસ્સો તોડી પાડવામાં આવ્યો છે. આ ઉપરાંત પંચેશ્વર ટાવર પાસે બંસી પાન નામની દુકાનની ઉપરના ભાગમાં આવેલું જર્જરિત મકાન, કે જેમાં રવેશનો ભાગ ખૂબ જર્જરિત થઈ ગયો હોવાથી કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આજે રવેશનો હિસ્સો દૂર કરી લેવામાં આવ્યો છે.