જામનગરમાં રહેતા મેઘજીભાઇ એલ. વેકરીયાએ શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કંપની લિ.માંથી 2014ની સાલમાં મારૂતિ વેગન-આર કાર રજી. નં. જીજે-10 બીજી-0850 ઉપર બાવીસ હપ્તામાં પરત ચૂકવણીની સમયમર્યાદામાં લોન લીધી હતી. આ લોનની પરત ચૂકવણી માટે આરોપીએ ફરિયાદી કંપનીને સેટલમેન્ટ પેટે રૂા. 2,30,000નો ચેક આપ્યો હતો.
જે ચેક ફન્ડ ઇન્સફિયન્સના શેરા સાથે પરત ફર્યો હતો. આથી કંપનીના વકીલ મારફત આરોપીને નોટીસ મોકલવામાં આવી હતી. આ છતાં આરોપીએ ચેક મુજબની રકમ પરત નહીં ચૂકવતા આખરે શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કંપની લિ. દ્વારા જામનગરના ચીફ જ્યુ.મેજી. સમક્ષ આરોપી મેઘજીભાઇ એલ. વેકરિયા સામે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
પાંચ વર્ષના લાંબા કાનૂની જંગ બાદ તેમજ બન્ને પક્ષો તરફે રજૂ થયેલ પુરાવાઓ અને કોર્ટ સમક્ષ લંબાણપૂર્વકની દલીલો તેમજ રજૂ થયેલ ચુકાદાઓને ધ્યાને લઇ જામનગરના ચોથા એડી. ચીફ જ્યુડી. એમ.ડી. નંદાણી દ્વારા આરોપી મેઘજીભાઇ એલ. વેકરિયાને તકસિરવાન ઠરાવી એક વર્ષની કેદ અને ચેકની રકમ રૂા. 2,30,000ની ડબલ રકમ રૂા. 4,60,000નો દંડ અને જો આરોપી દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો છે. ફરિયાદી વતી વકીલ ધિરેન એન. ભેડા રોકાયા હતાં.