આર્થિક અને રાજકીય કટોકટીમાં સપડાયેલાશ્રીલંકાના લોકો અસહ્ય મોંઘાવારીનો સામનો કરી રહ્યાં છે. બુધવારની રાત્રીથી 450 ગ્રામ બ્રેડના ભાવમાં 20નો અને બીજી બેકરી આઇટમના ભાવમાં 10નો વધારો થશે. સ્થાનિક બજારમાં ઘઉંના લોટના ભાવમાં 400 ટકા સુધીના અસાધારણ વધારાને કારણે ઇન્ડસ્ટ્રી એસોસિએશનને આ જાહેરાત કરી હતી.
ઓલ સિલોન બેકરી ઓનર્સ એસોસિયેશનના પ્રેસિડન્ટ એન કે જયવર્દનને ટાંકીને શ્રીલંકાના ડેઇલી મિરર ન્યૂઝે જણાવ્યું હતું કે ઘઉંના લોટના ભાવમાં સોમવારે 32ના ભાવવધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉના એક કિગ્રા લોટ 84.50ના ભાવે વેચાતો હતો. આ ભાવ હવે વધીને 300થી વધુ થયા છે. તેમણે જણાવ્યું હતું કે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય 400ને વટાવી ગયું નથી, પરંતુ સ્થાનિક બજારમાં ઘઉંના લોટનો ભાવ વધીને 300 થયો છે. શ્રીલંકાની આશરે 2.2 કરોડની વસતિ હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહી છે. ખાદ્ય ચીજવસ્તુઓ, દવાઓ, ઇંધણ અને બીજા આવશ્યક ચીજવસ્તુઓની ભારે અછત છે અને ભાવ એટલા વધી ગયા છે કે લોકો માટે ખરીદી કરવાનું મુશ્કેલ છે. સ્કૂલો બંધ કરાઈ છે. ઇંધણની ભારે અછતને કારણે દર્દીઓ માટે હોસ્પિટલ સુધીનો પ્રવાસ કરવાનું પણ મુશ્કેલ બન્યું છે.