જામનગર શહેરના બેડી વિસ્તારમાં સરકારી દવાખાના પાસે રહેતી મહિલાને બિહારમાં તેના માતા-પિતાના ઘરે એકલા જવા માટે પતિએ ના પાડતા મનમાં લાગી આવતા તેના ઘરે રૂમમાં ડે્રસના દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામનગર જિલ્લાના કાનાલુસ ગામમાં રહેતી યુવતીને તેના ઘરે અકસ્માતે વીજશોક લાગતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગરના બેડી વિસ્તારમાં સરકારી દવાખાના પાસે રહેતી નાઝમીનબેન રજાક માણેક (ઉ.વ.24) નામની મહિલાને બિહારમાં તેણીના માતા-પિતાના ઘરે જવું હતું પરંતુ પતિને કામ પરથી રજા મળતી ન હતી. જેથી પત્ની નાઝમીને બિહાર એકલા જવાનું કહેતા પતિએ ‘માવતરેથી કોઇ આવે તો તેની સાથે મોકલીશ એકલા ન જવાય’ તેમ કહયાનું મનમાં લાગી આવતા નાઝમીને બુધવારે બપોરના સમયે તેના ઘરે રૂમના પંખામાં ડે્રસના દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પતિ રજાક દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં ટાવરની બાજુમાં ભાડે મકાનમાં રહેતાં રૂકમાબેન દિનેશભાઈ મસાનિયા (ઉ.વ.20) નામની યુવતી તેણીના ઘરે કામ કરતી હતી તે દરમિયાન બુધવારે બપોરના સમયે અકસ્માતે જમણા હાથમાં વીજશોક લાગતા બેશુદ્ધ થઈ જવાથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ દિનેશ દ્વારા જાણ કરાતા હેકો એલ.જી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.