ખંભાળિયામાં સ્ટેશન રોડ વિસ્તારમાં અજમેર પીરની ટેકરી પાસે બે આખલાઓ બાખડ્યા હતા. આ સ્થળે બે સશક્ત દાખલાઓ જંગે ચડતાં થોડો સમય સ્થાનિકોમાં ભય સાથે દોડધામ બચી જવા પામી હતી. પરંતુ એક નંદી ઉપરથી નીચે પડતા તેનો પગ તૂટી ગયો હતો અને હાડકા અલગ થઈ ગયા હતા. આ બનાવ અંગે અજમેરની ટેકરી વાળા મલુકશા બાપુ દ્વારા અહીંના સેવાભાવી કાર્યકર વિકીભાઈ રૂઘાણીને જાણ કરવામાં આવતા તેઓ તેમના મિત્ર નરેન્દ્રસિંહને સાથે લઈને ઘટના સ્થળે દોડી ગયા હતા. આ સમગ્ર ઘટનામાં ગંભીર રીતે ઈજા પામેલા આખલા બાબત સરકારી નંબર 1962માં જાણ કરવામાં આવતા તેના તબીબો પણ આ સ્થળે આવી ગયા હતા. અને આ યુવા ટીમના વિકીભાઈ રૂઘાણી, નરેન્દ્રસિંહ જાડેજા, મિતેશભાઈ દત્તાણી, ફારૂક ઘાવડા, મલુકશાહ બાપુ, ફારુકભાઈ અસલમભાઈ વિગેરે દ્વારા ઘવાયેલા અને દર્દથી કણસતા આખલાને 1962 ની ટીમ સાથે સારવાર આપી, ચાલુ વરસાદે માનવતાનું આવકારદાયક કાર્ય કરવામાં આવ્યું હતું.